Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

પોલીસ તરીકેની ઓળખ આપીને સાદા ડ્રેસમાં ફરતા ઇરાની ગેંગથી સાવચેત રહેવા જુનાગઢ પોલીસની અપીલ

(વિનુ જોષી દ્વારા જુનાગઢ, તા. ર૯:  જૂનાગઢ રેંજના ડીઆઈજી  મનીંદર પ્રતાપ સિંહ પવાર  તથા જૂનાગઢ  જિલ્લા પોલીસ વડા   રવિ તેજા વાસમ શેટ્ટી  દ્વારા તહેવારોના સમયમાં ખાસ કરીને જૂનાગઢ શહેરમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરી, આ સમયમાં ચોરી, લૂંટ તેમજ છેતરપીંડી કરતી ઇરાની ગેંગ તથા જુદી જુદી ગેંગના આરોપીઓ દ્વારા આચરવામાં આવતી મોડ્સ ઓપરેન્ડીથી માહિતગાર કરી, સાવચેતી રાખવા માટે સચેત કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

  જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ, બી, સી, ભવનાથ, તાલુકા, જેવા શહેર વિસ્તારના પોલીસ સ્ટેશનો ખાતે અલગ અલગ ટીમો બનાવી, લોકોને માહિતગાર કરવાનો તેમજ વોટ્સએપના માધ્યમથી ગ્રુપમાં જાણકારી આપવાનો નવતર પ્રયોગ હાથ ધરી, તહેવારોના સમયમાં લોકોને સાવચેત કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. આ અંગે જુદા જુદા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગ દરમિયાન માઈકમાં જાહેરાત કરી, સાવચેત રહેવા માટે એંનાઉન્સ કરવામાં આવે છે.

 ઈરાની ગેંગની મોડ્સ ઓપરેન્ડી પોલીસ તરીકેની ઓળખ આપવાની સિવિલ ડ્રેસ એટલેકે સાદા કપડામાં હોય છે. ટૂંકા વાળ હોય છે. મોટી ઉંમરના વૃદ્ધ અથવા આધેડ લોકોને ટાર્ગેટ કરવાના. ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરે છે. ઘણી વખત સોસાયટીમાં ધાબળા વહેંચવાના બહાને આવી, ઘરમાં હાજર એકલ દોકલ વૃદ્ધોને ટાર્ગેટ કરી, નજર ચૂકવી, ઘરેણાં કે રોકડ રકમ સેરવી લેવાના અને રફુ ચકકર થઈ જવાનું. પોતે પોલીસ હોવાની ઓળખ આપી, ચેકીંગના બહાને અહિયાથી નજીકમાં ખૂન અથવા લૂંટ નો બનાવ બનેલ છે...તમારા ઘરેણાં કાઢી નાંખો..રૂમાલમાં બાંધવાનું કહી, ઘરેણા કઢાવી, રૂમાલમાં મુકવાનો ડોળ કરી, નજર ચૂકવી, ઘરેણાં સેરવી લેવા અને ખાલી રૂમાલ વૃદ્ધ વ્યકિતના થેલી થેલામાં મુકાવી દેવાના અને રફુ ચકકર થઈ જવાનું.

સામાન્ય રીતે મોટર સાયકલ ઉપર આવે છે. ડબલ સવારીમાં હોય છે. ક્યારેક બે મોટર સાયકલ ઉપર ચાર જણા પણ હોય છે. બને વ્યકિતએ હેલ્મેટ પહેરેલ હોય છે.

ઇરાની ગેંગથી સાવચેત રહેવાના મુદ્દાઓમાં પોલીસ સિવિલ ડ્રેસમાં હોય તો, આઈ કાર્ડ માંગવું. આઈકાર્ડ ના આપે તો, મોટર સાયકલનો નમ્બર લઈ લેવો. નજીકના પોલીસ સ્ટેશન અથવા ૧૦૦ નમ્બર ઉપર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.  મોટી ઉંમરના વૃદ્ધા સાથે તહેવારના સમયે કોઈની સાથે રહેવું, એકલા જતા હોય તો જરૂરિયાત પૂરતા સોનાના દાગીના પહેરવા હિતાવહ છે.

કોઈપણ જગ્યાએ ગમે તેવો ગંભીર ગુન્હો બને તો, પોલીસ દાગીના ઉતરાવતી નથી.જે બાબત દરેક વ્યકિતઓને જણાવવી. જેથી પોલીસ દાગીના ઉતારીને જવાની વાત કરે તો, તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમ નો સંપર્ક કરી, ડુપ્લીકેટ પોલીસ હોવાની જાણ કરવી.

આવા લોકો રોકે અથવા ઘરેણાં ઉતારવાની વાત કરે તો, આજુબાજુના લોકોને ભેગા કરી, પોલીસને જાણ પણ કરી શકાય. જેથી પોલીસ દ્વારા વ્યવસ્થિત વેરિફિકેશન કરી શકાય..

આમ, જૂનાગઢ જિલ્લા  પોલીસ વડા   રવિ તેજા વાસમ શેટ્ટી  દ્વારા જૂનાગઢની જનતાને  તહેવારોના સમયમાં સાવચેત કરવા માટે જૂનાગઢ શહેરની જનતાને સુરક્ષીત સલામત રાખવા માટે પણ કાર્યવાહી  કરવામાં આવેલ  છે.

(12:44 pm IST)