Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ગિરનાર રોપ-વેનો ભાવ ન ઘટાડાય તો આંદોલન

તમામ પ્રવાસીઓના રૂ. ૧૫૦, બાળકો - દિવ્યાંગો અને સિનીયર સિટીઝનોના રૂ. ૫૦ ભાડુ રાખવા કોંગ્રેસ અને સીપીએમ દ્વારા સંયુકત આવેદન

 

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૯ : જૂનાગઢ રોપ-વે માં બેફામ ટિકિટના ભાવ વધારો ઓછો કરવા કોંગ્રેસ,સી.પી.એમ દ્વારા સંયુકત આવેદનપત્ર પાઠવ્યું હતું.

જૂનાગઢ શહેર કોંગ્રેસ અને સીપી આઇએમ સંયુકત વિરોધ પક્ષ દ્વારા જુનાગઢ ગિરનારના રોપ-વે કંપની દ્વારા પ્રવાસીઓ પાસેથી ટિકિટના દર રૂપિયા ૭૦૦ તેમજ જૂનાગઢ શહેર માટે રૂપિયા ૬૦૦ લેવામાં આવે છે. આ ભાવ વધારા સામે જૂનાગઢના સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા અવારનવાર ટિકિટના દર ઘટાડવા બાબતે રજૂઆત કરવામાં આવેલ છે. હાલમાં ગીરનાર રોપ-વે ને એક વર્ષ પૂર્ણ થયેલ છે. ત્યારે રોપ-વે કંપની દ્વારા બેફામ ભાવ વધારા થી જનતાના એક વર્ષની ટિકિટ ની આવક રૂપિયા ૩૬ કરોડ થયેલ છે. રોપ-વેના ૬૫૦૦૦ પ્રવાસીઓ એ જ રોપ-વે ની સફર કરી આવક પ્રાપ્ત થયેલ છે.આ ટિકિટ ના દર(ભાવ) વધારે હોવાના કારણે ગરીબ અને સામાન્ય જનતા રોપ-વે માં મુસાફરી કરી શકતી નથી અને રોપ-વે બની ગયેલ હોવા છતાં આમ જનતાને કોઈ ફાયદો થયેલ નથી. સરકાર પાસે અમારી માંગણી છે કે આ રોપ- વે ના ટિકિટના દર(ભાવ) તાત્કાલિક ઘટાડવામાં આવે.સરકાર પાસે થી માંગણી છે તે નીચે મુજબના ટિકિટના ભાવ રાખવામાં આવે છે જેથી કરીને તમામ લોકો માં અંબાજી અને ગિરનાર ના દર્શને જઈ શકે અને સૌ લોકો તેનો લાભ લઈ શકે. એ માટે તાત્કાલિક પણે આ ટિકિટના દર(ભાવ)ની માંગણી મૂકીએ છીએ એ તાત્કાલિક કરવા વિનંતી

તમામ પ્રવાસીઓ માટે ૧૫૦ રૂ. બાળકો માટે ૫૦ રૂપિયા, વૃદ્ઘો માટે ૫૦ રૂપિયા દિવ્યાંગ માટે ૫૦ રૂપિયા, આ મુજબનો રોપ-વેના ભાવ ટિકિટના દર નક્કી કરવામાં આવે તેવી કોંગ્રેસ અને સીપીઆઇએમની મુખ્ય માંગણી છે.જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ના છૂટકે અમારે રોપ-વેના ભાવ ઘટાડવા બાબતે આંદોલન કરવું પડશે.

આ તકે અમીતભાઈ પટેલ (પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ, જુનાગઢ),ભીખાભાઈ જોશી (ધારાસભ્ય જુનાગઢ) બટુકભાઈ મકવાણા (મહામંત્રી સીપીઆઈએમ) જીશાન એમ હાલેપૌત્રા (એડવોકેટ, જુનાગઢ) ઉપસ્થિતિ રહી કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

(1:11 pm IST)