Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ધોરાજીથી પકડાયેલ સાડા ત્રણ કિલો ગાંજાના કેસમાં ત્રણ આરોપીઓની જામીન અરજી મંજૂર

રાજકોટ તા. ર૯ :.. ધોરાજી પોલીસ સ્ટેશનમાં નોરકોટીકસ ડ્રગ પદાર્થે અધિનીયમની કલમો મુજબની ફરીયાદ ૧૧-૭-ર૧ ના રોજ નોંધવામાં આવેલ હતી અને જે સબબ કુલ ત્રણ આરોપીઓની ધરપકડ થતા આરોપીએ રાજકોટની સ્પેશ્યલ એન. ડી. પી. એસ. કોર્ટમાં જામીન મેળવવા અરજી કરતા અદાલતે જામીન અરજી મંજૂર કરી હતી.

આ કેસની ટુકમાં હકિકત એવી છે કે, આ કામના ફરીયાદી અને તેમની સાથેનો પોલીસ સ્ટાફ ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ. ઓ. જી. શાખાને લગતી કામગીરી સબબ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે અજયગીરી મનસુખગીરી ગોસ્વામી રહે. ધોરાજી ભુતનાથ મંદિર પાસે ઓરડીમાં વોંકળા કાંઠે પોતાના કબજા ભોગવટાના રહેણાકની ઓરડીમાં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ-માદક પદાર્થનો જથ્થો રાખી વેચાણ કરે છે. તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકિકત મળેલ હોય જે અનુસંધાને બાતમી વાળી જગ્યાએ રેડ કરવા માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયાએ બાદ રેડ કરવામાં આવેલ હતી. અને બાતમી વાળી જગ્યાએ પહોંચતા અજયગીરી ગોસ્વામી નામનો ઇસમ મળી આવેલ હતો.

આ ગાંજાનું વજન કર્તા ગાંજાનું વજન ૩ કિલો ૪૪૬ ગ્રામ થયેલ હતું અને જે મતલબની ફરીયાદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતી. જે સબબ તપાસ દરમિયાન સદામશા ફારૂકશા રફાઇ તથા જુસબભાઇ ઇબ્રાહીમભાઇ નોટીયાનું નામ ખુલવા પામેલ હતું. જેથી આ ત્રણેય આરોપીઓની અટક કરી રાજકોટની સ્પેશ્યલ એન. ડી. પી. એસ. કોર્ટમાં રજૂ કરતા રીમાન્ડ સમય પુર્ણ થયા બાદ ત્રણેય આરોપીઓને રાજકોટ જીલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ હતાં.

આમ ત્રણેય આરોપીની અટક થયા બાદ અને ચાર્જશીટ થઇ જતા ત્રણેય આરોપીઓએ પોતાના એડવોકેટ મારફત જામીન મુકત થવા માટે રાજકોટ સ્પેશ્યલ એન. ડી. પી. એસ. કોર્ટ સમક્ષ જામીન મુકત થવા માટે જામીન અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટ એ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી એડવોકેટ શ્રી રણજીત એમ. પટગીર, સાહિસ્તાબેન એસ. ખોખર રોકાયેલ હતાં.

(3:20 pm IST)