Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકાના દુધીવદરની પ્રાથમિક શાળાનો ઉલ્‍ટો ટ્રેન્‍ડઃ અભ્‍યાસ માટે શહેરમાંથી છાત્રો આવે છેઃ ખાનગી શાળાને ટક્કર મારે તેવી સરકારી શાળા

વિદ્યાર્થીઓ-શિક્ષકોની હાજરીથી લઇને તમામ ગતિવિધિ આધુનિક ટેક્‍નોલોજીથી

રાજકોટ: વર્ષોથી ગામડામાંથી શહેર તરફ જવાનો ટ્રેન્ડ ચાલે છે. પછી એ ભણતર હોય, નોકરીની હોય કે પછી વિકાસની વાત હોય. ગામડાના વિદ્યાર્થીઓ શહેરની ખાનગી શાળાઓમાં મોટી રકમની ફી ભરી અને અભ્યાસ કરવા જાય છે. ત્યારે જામકંડોરણા તાલુકાની દુધીવદરની પ્રાથમિક શાળાએ આ ટ્રેન્ડને ઉલ્ટો કર્યો છે. આ શાળામાં શહેરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. એક સરકારી શાળાની આવી ડિમાન્ડ જોઈને તેની દાદ દેવી પડે.

જામકંડોરણાની દૂધીવદર પ્રાથમિક શાળાને જોઈને તમને લાગશે જ નહિ કે તમે કોઈ સરકારી શાળામા આવ્યા છો. શાળામાં પ્રવેશતા જ સ્વચ્છ મેદાન, મેદાનમાં નાનો બગીચો, મેદાનમાં એક સ્ટેજ, આ બધું જોઈને અંદર પ્રેવેશો એટલે ક્લાસ રૂમમાં પ્રોજેક્ટર સાથે ટચ બોર્ડ ઉપર અભ્યાસ કરાવતા શિક્ષકો જોવા મળશેય ક્લાસ રૂમને જોતા એવું લાગે કે કોઈ કોર્પોરેટ અને કોઈ હાઈફાઈ ખાનગી શાળામાં આવી ગયા હોય. જામકંડોરણાથી 10 કિલોમીટર અંતરિયાળમાં આવેલ દૂધીવાદર ગામની સરકારી પ્રાથમિક શાળા ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી છે. શહેરમાંથી 75 જેટલા વિદ્યાર્થીઓ ગામની આ શાળામાં શિક્ષણ માટે આવે છે.

સરકારી શાળાની વાત કરીએ તો પૂરતી પ્રાથમિક સુવિધા પણ ન હોય તેવી શાળાની તસવીર નજર સામે તરી આવે છે. ત્યારે જામકંડોરણાની આ પ્રાથમિક શાળાને જોતા જ આ છાપ કંઈક અલગ જ જોવા મળશે.

- શાળાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની એક માત્ર સરકારી શાળા છે, જે સંપૂર્ણ રીતે હાઈફાઈ અને Wifi થી સજ્જ અને પુરે પુરી સમાર્ટ છે.

- અહીં વિદ્યાર્થીઓની અને શિક્ષકોની હાજરીથી લઈને અભ્યાસ સુધી તમામ ગતિવિધિ સ્માર્ટ રીતે કરવામાં આવે છે.

- અહીંના તમામ ક્લાસ રૂમને ઈન્ટરનેટ, પ્રોજેક્ટર, ટચ બોર્ડ, લેપટોપ અને LED સ્ક્રીનથી સજ્જ કરવામાં આવ્યા છે.

- અહીં 1 થી લઈ ને 8 સુધીના તમામ ધોરણમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ રીતે આધુનિક શિક્ષણ આપવામાં આવે છે.

- શિક્ષકો અહીં આવીને વિદ્યાર્થીઓને એક આધુનિક સાથે ગુણવત્તાસભર શિક્ષણ આપતા જોવા મળે છે.

- ગામડા ગામમાં આપવામાં આવતા ગુણવત્તાસભર શિક્ષણને લઈને અહીં શહેરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે.

દુધીવદર તાલુકા શાળાને ખૂબ જ આધુનિક અને સમાર્ટ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ વિજય વ્યાસનો મોટો ફાળો છે. આ વિશે દૂધીવદર તાલુકા શાળાના પ્રિન્સીપાલ વિજય વ્યાસ જણાવે છે કે, અમને સરકારનો જે સહયોગ મળ્યો છે તે સરાહનીય છે. 2016 માં ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 30 જેટલી શાળાને આધુનિક બનાવવા માટે આયોજન કરવામાં આવ્યુ હતું આ તેનું પરિણામ છે. અહીં હવે જામકંડોરણા જેવા શહેરમાંથી પણ વિદ્યાર્થીઓ આવે છે.

શહેરમાંથી જયારે કોઈ આ શાળાને જોવા માટે આવે ત્યારે તેઓ અચંબિત થઈ જાય છે, ત્યારે શાળાને જોયા પછી દરેક વાલી એમ જ ઈચ્છે છે કે તેના સંતાનો અહીં આ સરકારી શાળામાં અભ્યાસ કરે. જામકંડોરણા શહેરના અનેક લોકોના સંતાનો અહીં અભ્યાસ કરે છે. જેમાં ડોક્ટર, વકીલ સહિતના વર્ગના સંતાનો અહીં આવી ને ખુબજ સારું શિક્ષણ મેળવી રહ્યાં છે, અને માતા પિતા પણ આ શાળાને જોઈ ને વખાણ કરતા થાકતા નથી.

દુધીવદરની તાલુકા શાળામાં જે ટચ બોર્ડ સાથે 2 D વીડિયો સાથે વિદ્યાર્થીઓને વિજ્ઞાન ગણિત અને અન્ય વિષયની સમજ અને અભ્યાસ કરાવવામાં આવે છે તેને લઈને અહીંના વિદ્યાર્થીઓને તો અહીં જ્ઞાન સાથે ગમ્મ્ત થતી હોય તેવું લાગે છે અને અભ્યાસ કરવાનો આનંદ લેતા જોવા મળે છે. જો આ જ રીતે ગુજરાતની અન્ય સરકારી શાળાઓને હાઈફાઈ બનાવવામાં આવે તો વાલીઓ મોંઘીદાટ ફી આપીને પોતાના સંતાનોને ખાનગી સ્કૂલમાં નહિ મોકલે અને સરકારી શાળાઓ તરફ ડાયવર્ટ થશે.

(4:21 pm IST)