Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

મોરબીના જુના મહાજન ચોકમાં ગટરની ગંદકીના કાયમી ધામા.

છેલ્લા આઠ માસથી ગટર ઉભરાતી હોવા છતાં તંત્ર પગલાં ન ભરતા સ્થાનિકોમાં રોષ

મોરબીના ચિત્રકૂટ ટોકીઝ પાસે આવેલ જુના મહાજન ચોકમાં ગટરની ગંદકીએ ડેરાતબુ તાણ્યા હોય એમ આ વિસ્તારમાં ગટરની ગંદકી નદીના વહેણની જેમ વહેતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. જેમાં છેલ્લા આઠ માસથી ગટર ઉભરાતી હોવા છતાં તંત્ર પગલા ન ભરતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
મોરબીની ચિત્રકૂટ ટોકીઝ પાછળ આવેલ જુના મહાજન ચોકમાં છેલ્લા આઠ માસથી ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાય છે. આ અંગે સ્થાનિક અગ્રણી વિરલભાઈ દોશીએ જણાવ્યું હતું કે, ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યાએ એટલી હદે માજા મૂકી છે કે વગર વરસાદે તેમની શેરીમાં પાણી-પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે અને ગટરના ગંદા પાણીના સરોવર ભરાયા છે. જેથી મચ્છરોનો ભયાનક ઉપદ્રવ રહે છે. આથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઇ છે જો કે બાજુના એપાર્ટમેન્ટવાળાઓ સતત પાણી ઢોળતા હોવાથી આ ગંભીર સ્થિતિ ઉદભવી છે.
આ અંગે નગરપાલિકા તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા ગટરની ગંદકીથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આથી તંત્ર વહેલાસર આ ગટરની સમસ્યા ઉકેલવા કોઈ નક્કર કાર્યવાહી કરે તેવી તેઓએ માંગ ઉઠાવી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમની બાજુના જલારામ હાઇટ્સ એપાર્ટમેન્ટવાળાઓ સતત પાણી ઢોળતા હોય અને તેનો યોગ્ય નિકાલ ન હોય ગંદા પાણી ભરાવવાથી રોગચાળાનું જોખમ સર્જાયું છે. તેથી તંત્ર આ દિશામાં પણ યોગ્ય કાર્યવાહી કરે તેવી તેઓએ માંગ કરી છે.

(6:44 pm IST)