Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

રાજુલાના હિંડોરાણા ચોકડી પાસે 'આપ' ઉમેદવારના પોસ્ટર લગાવતા આચારસંહિતા ભંગની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૯ : રાજુલા તાલુકાના હિંડોરાણા ચોકડી પાસે બોલેરો જીજે-૧૪-એકસ-૪૮૯૬માં પરમીશન વગર લાઉડ સ્પીકર બાંધી આમ આદમી પાર્ટીના ઉમેદવારના પોસ્ટર લગાવી પ્રચાર કરી આચારસંહિતા ભંગ કરતા તૌફીક ઇબ્રાહિમભાઇ મેતર સામે ભરતસિંહ ગોહિલે તેમજ બીજા બનાવમાં બોલેરો જીજે-૧૪-એકસ ૫૩૫૯ માં નુરૂદીન ઓસ્માનભાઇ ઝાંખરા સામે અજયભાઇ જીંજાળાએ રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મારમાર્યો

તાલુકાનાં ચાંપાથળ ગામે શાર્દુળભાઇ લાલાભાઇ બગડા (ઉવ.૨૭)ના મકાન આગળ અને તેના કુટુંબી સામાવાળાના મકાન પાછળ ખુલ્લી જમીન પડેલ હોય જે મનદુઃખ રાખી ગાળો બોલતા ના પાડતા જીવણ મુળજીભાઇ અને હંસાબેન જીવણભાઇ બગડાએ પાઇપ વડે માતા કલુબેનને તેમજ પોતાને મારમારી છરી વડે ઇજા કરી ઢીકાપાટુ વડે મારમાર્યાની અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

જાફરાબાદ સામાકાંઠે સંજયભાઇ કાનાભાઇ બાંભણીયા (ઉવ.૩૫)ની પત્નીને જીતેશ ઉકાભાઇને ફોન કરતા ઠપકો આપતા દિનેશ બાંભણીયા, જીણેશ ઉકાભાઇ, જેન્તી છાનાભાઇ, રામદાસ ઉકાભાઇએ પાઇપ વડે મારમારી ફ્રેકચર કરી ઢીકાપાટુ વડે મારમારી ધમકી આપ્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

છરી ઝીંકી

દામનગરનાં ધ્રુફણીયા રોડ ઉપર જયવંતભાઇ રાયસીંગભાઇ ગોહિલ (ઉવ.૩૨)નો ભાઇ અગાઉ નારસંગભાઇ શીવાભાઇ રાઠોડના ભાઇની દીકરીને લઇ ગયેલ તે બાબતનું મનદુઃખ રાખી છરી વડે કમરમાં મારમારી ધમકી આપ્યાની દામનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોત

બાબરા તાલુકાના ગરણી ગામનાં પરશુરામભાઇ જમનાદાસભાઇ દેસાણી (ઉવ.૫૨) ચૂંટણી લગત કોટડાપીઠા ગામે ફરજ ઉપર હતા ત્યારે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતા હાર્ટએકેટનો હુમલો આવી જતા મોત નિપજ્યાનું પંકજભાઇ દેસાણીએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

મોત

ખાંભા તાલુકાના પીપળવા ગામની સીમમાં ઓમ કાનજીભાઇ ગોઠડીયા (ઉવ.૭) માંગળાદાદાના કોઠાની બાજુમાં સીરીગભાઇ ભીખુભાઇ ઉર્ફે રાણીગભાઇ મોભની વાડી ખેતરમાં પાછળની રોટાવેટર ઉપર ચડવા જતા પડી જવાથી માથામાં ગંભીર ઇજા થતા મોત નિપજ્યાનું ચંદુભાઇ સુખાભાઇ રાઠોડે ખાંભા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

 

 

ગોંડલ બેઠક ઉપર રાજકીય પક્ષોનાં એકબીજા સામે આક્ષેપો - કટાક્ષો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા. ૨૯ : ગોંડલની ચુંટણી સંવેદનશીલ ગણાય છે.ભાજપ ની ટીકીટ ના મુદે  પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા રીબડા જુથ  વચ્ચે ઉગ્ર ચર્ચા બાદ વર્તમાન ધારાસભ્ય અને જયરાજસિહના પત્નિ ગીતાબાને  ભાજપે ટીકીટ આપતા હાલ આ બન્ને બળુકા જુથનુ યુધ્ધ શાંત પડયુ છે.પણ ચુંટણી સભાઓમા આક્ષેપોનંુ યુધ્ધ હાલ પરાકાષ્ઠા પર છે.વ્યંગ અને કટાક્ષની ભરમાર સાથે કોંગ્રેસ તથા ભાજપની સભાઓમા થતા ભાષણો લોકોને મનોરંજન પુરુ પાડતા હોય તમામ સભાઓ ભરચક જઇ રહી છે. આમ કોંગ્રેસ કે ભાજપની સભાઓમાં લોકો ઉમટી પડે છે.

કોંગ્રેસના ઉમેદવાર યતિષભાઈ દેસાઈ દ્વારા જયરાજસિહ તથા તેના પરીવારને ગુંડા દર્શાવાઇ રહ્યા છે. જયરાજસિહના કમાન્ડો અંગે યતિષભાઈ દેસાઈના વ્યંગબાણ  લોકોને મનોરંજન આપી રહયા છે.યતિષભાઈ દ્વારા ભાજપના સ્ટાર વકતા રાજેન્દ્રસિંહ જાડેજાને ઝુમરીતલૈયા તરીકે સંબોધાયા હોય લોકો આનંદ માણી રહ્યા છે. બીજી બાજુ ભાજપના જયરાજસિહ જાડેજા દ્વારા કોઈને નહી છોડુ તેવુ ખુલ્લુ બોલાઈ રહ્યુ છે.તેઓ દવારા બિલાડી ઉંદરની વાત દ્વારા લોકોનું મનોરંજન અપાઇ રહ્યુ છે. જયરાજસિહ તેમના ભાષણ મા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના જોકસ પણ ટાંકી રહ્યા છે. તો રાજેન્દ્રસિંહ દ્વારા જવાબમાં યતિષભાઈ દેસાઈને તિતિઘોડાની ઉપમા આપી મિલ્કતો પચાવી પાડવાના આક્ષેપ કરાઇ રહ્યા છે. મહત્વની વાત એ કહેવાય કે જયરાજસિહના દબંગ ભાષણોના વિડીયો શહેર તાલુકામાં ખાસ્સા પોપ્યુલર બન્યા છે.

હાલ એક માત્ર ભાજપના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની સ્ટાર પ્રચારક તરીકે ગુંદાળા રોડ પર સભા યોજાઇ છે. પ્રચાર કે સભા બાબતે કોંગ્રેસ અને ભાજપ લગોલગ દોડી રહ્યા છે.જ્યારે આમ આદમી પાર્ટી મા સાવ ટાઢોડુ જણાઇ રહ્યુ હોય તેમ હજુ સુધી કોઈ સભા લેવાઇ નથી.આપ દ્વારા ઉડીને આંખે વળગે તે પ્રકારનો પ્રચાર પણ જોવા મળતો નથી

(1:19 pm IST)