Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસંગાથી બંધુ-બેલડી પુત્રો સ્વ.નાનકભાઈ અને મસ્તાનભાઈનો ૯૦મો જન્મદિવસ

તમે ફ્કત ભાઈઓ નથી, મિત્રો છો, જન્મસંગાથીઓ છો, એકબીજાના પૂરક છો, એક જ પંથના તીર્થ-યાત્રીઓ છો : સ્વ. નાનકભાઈનું ૨૦ જૂલાઈ ૨૦૧૪ના રોજ ૮૩ વર્ષની વયે અમદાવાદ મુકામે નિધન થયું હતું: મસ્તાનભાઈ વડોદરા ખાતે નિવૃત્ત્। જીવન વિતાવે છેઃ પોતાના દરેક સંતાનના જન્મદિવસે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા પોતાના પુસ્તકો ઝવેરચંદ મેઘાણી તેમને ભેટ આપતા

રાજકોટ,તા. ૨૯: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસંગાથી બંધુ-બેલડી પુત્રો સ્વ. નાનકભાઈ અને મસ્તાનભાઈનો ૯૦મો જન્મદિવસ. ૨૯ ડીસેમ્બર ૧૯૩૧ના રોજ ભાવનગર ખાતે જોડીયા ભાઈઓનો જન્મ થયો હતો. ગાંધી-મૂલ્યો-વિચારોને વરેલા, આજીવન ખાદીધારી, સાદગીભર્યું-સાત્વિક જીવન જીવનાર, ઉંત્ત્।મ પુસ્તકો યુવા પેઢી સુધી પહોચે તે માટે આજીવન કાર્યશીલ, સાહિત્ય-મિલાપ-ગ્રંથાગારના સ્થાપક સ્વ. નાનકભાઈ મેઘાણીનું ૨૦ જૂલાઈ ૨૦૧૪ના રોજ ૮૩ વર્ષની વયે અમદાવાદ મુકામે નિધન થયું હતું. ડેરી ટેકનોલોજીના નિષ્ણાંત મસ્તાનભાઈ મેઘાણી વડોદરા ખાતે નિવૃત્ત્। જીવન વિતાવે છે.
કડીમાં અભ્યાસ કરતા બેલડા-ભાઈઓ નાનકભાઈ-મસ્તાનભાઈને સોળમું વર્ષ બેઠું તે નિમિત્ત્।ે ૧૮ ડીસેમ્બર ૧૯૪૬ના રોજ પ્રેમાળ પિતા ઝવેરચંદ મેઘાણીએ હ્દયસ્પર્શી પત્ર લખેલોઃ તમે ફ્કત ભાઈઓ નથી, મિત્રો છો, જન્મસંગાથીઓ છો, એકબીજાના પૂરક છો, એક જ પંથના તીર્થ-યાત્રીઓ છો. શરીરે જુદા છતાં એકરસ અને એકરૂપ છો એમ માનજો. જોડીયા-ભાઈઓ માંડ એકાદ વર્ષનાં હતા ત્યારે માતા દમયંતીબેનનું નિધન થયું હતું.
પોતાના દરેક સંતાનના જન્મદિવસે, વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલાં પોતાના પુસ્તકો, ઝવેરચંદ મેઘાણી તેમને ભેટ આપતા. દરેક પુસ્તકમાં સંતાન પર લાગણીભર્યો સંદેશો લખીને નીચે પોતાની સહી કરે. સંતાનો પણ પોતાના જન્મદિવસે બાપુજીની આ મહામૂલી ભેટની આતુરતાપૂર્વક રાહ જોતા. પોતાના એક જન્મદિવસે નાનકભાઈ-મસ્તાનભાઈ બાપુજીને વ્હાલથી ભેટ્યા અને ચરણ-સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા. ભેટ-પુસ્તકોમાં લિ. ઝવેરચંદ તરીકે પિતા સહી કરવા જતા હતા, ત્યાં જ બન્ને ભાઈઓ કહેઃ બાપુજી, ઝવેરચંદ તરીકે સહી કેમ ?  પ્રેમાળ પિતા તરત જ પોતાના વ્હાલા પુત્રોની લાગણી પામી ગયા અને બાપુજી તરીકે જ સહી કરી.

આલેખનઃ
પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન
(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)


 

(10:30 am IST)