Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

ગોંડલના મોવૈયા ગામે બેંકમાં ગીરો મુકેલ પ્લોટોમાં દુકાનો બનાવી વેચી નાખી ! મહિલા સહિત ૩ સામે ગુન્હો

રાજકોટ, તા. ૨૯ :. ગોંડલના મોવૈયા ગામે બેંકમાં ગીરો મુકેલ પ્લોટો ઉપર મહિલા સહિત ૩ શખ્સોએ બેંકની પૂર્વ મંજુરી વગર દુકાનો બનાવી વેચી નાખી બેંક સાથે છેતરપીંડી કરતા પોલીસમાં ફરીયાદ થઈ છે.

મળતી વિગતો મુજબ બંધન બેંકના મેનેજર બળદેવભાઈ નરશીભાઈ ગોઠી રહે. રાજકોટએ ગોંડલના મોવૈયા ગામના નટવરલાલ જીવાભાઈ ભાલાળા, શર્મિલાબેન નટવરભાઈ ભાલાળા તથા નરેન્દ્ર જીવાભાઈ ભાલાળા સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ઉકત ત્રણેયે મોવૈયા ગામના રેવન્યુ સર્વે નંબર ૮૯૬/૧ પૈકીના પ્લોટ નં. ૧૭ થી ૨૫ની જમીન ચોરસ મીટર ૧૫૫૪વાળી સંયુકત મિલ્કત બેંકના તારણમાં (ગીરો) મુકી ૪૭ લાખની લોન લીધેલ હતી. લોનમાં ગીરો મુકેલ મિલ્કત ઉપર લીધેલ લોન વ્યાજ સહિત સંપૂર્ણ ભરપાઈ ન થાય ત્યાં સુધી મિલ્કત વેચાણ ગીરો કે તબદીલ ન કરી શકે તેમ છતાં બેંકની પૂર્વ મંજુરી લીધા વિના ઉકત ત્રણેયે બેંકના તારણમાં રહેલ મિલ્કતમાં બાંધકામ કરી દુકાનો બનાવી જુદી જુદી વ્યકિતઓને વેચાણ દસ્તાવેજથી વેચી નાખી હતી અને બેંકની બાકી નિકળતી ૭૧.૪૧ લાખ ન ભરી બેંક સાથે છેતરપીંડી કરી હતી.  આ ફરીયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે ઉકત ત્રણેય સામે આઈપીસી ૪૦૬ અને ૪૨૦ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ તાલુકાના પીએસઆઈ એન.જે. પરમાર ચલાવી રહ્યા છે.

(12:49 pm IST)