Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

દ્વારકાના કલ્યાણપુર પંથકની સગીરા ઉપરના દુષ્કર્મના કેસમાં પકડાયેલા મંદિરના ભુવાને ૨૦ વર્ષની સજા ફટકારતી કોર્ટ

સગીરાને વળગાડ હોય મેલુ કાઢવાના બહાને ભુવાએ દુષ્કર્મ આચરેલ હતું

જામખંભાળિયા, તા. ૨૯ :  દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં આજથી આશરે પોણા ત્રણ વર્ષ પહેલા સગીર વયની તરૂણીને બીમારી સબબ વળગાડ હોવાનું જણાવી, મેલુ કાઢવાના બહાને દુષ્કર્મ ગુજારનાર એક મંદિરના ભૂવાને ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતે ૨૦ વર્ષની સખત કેદ તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા એક પરિવારની આશરે ચૌદ વર્ષની સગીર પુત્રીની તબિયત છેલ્લા કેટલાક સમયથી સારી રહેતી ન હોવાથી આ સગીરાના કાકાની સલાહ મુજબ સગીરાના માતા-પિતાએ પોતાની પુત્રીને કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામે રહેતા અને મામાદેવના ભુવા એવા ભરત કરશન સોનગરા નામના શખ્સનો સંપર્ક કર્યો હતો.

સગીરાને પ્રથમ તો ભુવાએ ભભૂતિ આપી, સારવાર કર્યા બાદ સમયાંતરે તેણીના માતા- પિતા ચાર-પાંચ વખત ભૂવા ભરત સોનગરા પાસે લઇ ગયા પછી તેણે જણાવેલ કે તેઓની પુત્રીને મેલુ કાઢવા માટે મામાદેવના મંદિરે (કંડે) લઈ જવી પડશે. આથી ગત તારીખ ૧૫-૦૩-૨૦૧૯ના રોજ સગીરાને સાથે લઇને માતાપિતા ભુવા ભરત સાથે રાત્રીના સમયે મેલુ કાઢવાની વિધિ માટે ગયા હતા. માર્ગમાં ભુવાએ સગીરાના માતા-પિતાને જણાવેલ કે મામાદેવ તમને કંડે આવવાની ના પાડે છે. જેથી તે સગીરાને લઈને મંદિરે પહોંચી ગયો હતો. દોઢેક કલાકના સમયગાળા બાદ ધરે પરત આવેલી સગીરા ગુમસુમ હોવાથી માતા-પિતાની પૂછપરછમાં તેણી પોતાની સાથે ભુવા દ્વારા વળગાડના નામે ખેતરમાં કપડાં કઢાવી શરીરે ભભૂતિ લગાવી અને મેલું નીકળી જશે તેમ કહી અને દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જણાવ્યું હતું. આ કૃત્ય બાદ ભુવાએ આ બાબતે તેણી માતા-પિતાને કહેશે તો મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ વધુમાં જણાવ્યું હતું.

 આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં જે-તે સમયે આરોપી ભરત વિરુદ્ધ વિવિધ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને મેડિકલ તપાસણી એફ.એસ.એલ. વગેરે અંગેની કાર્યવાહી પણ કરાઇ હતી. આ દરમિયાન સગીરાના વિશેષ નિવેદનમાં આરોપી ભરતે ભોગ બનનાર સગીરાને જે-તે સમયે દુષ્કર્મ આચર્યા બાદ જમન નામના અન્ય એક શખ્સ સાથે સંબંધ બાંધવા દેવાનું પણ જણાવ્યું હતું. પરંતુ તેણીએ ઇનકાર કરી દીધો હતો.

આ સમગ્ર કેસ ખંભાળિયાની એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા આ સંદર્ભે અહીંના સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલી વિવિધ દલીલો તેમજ ૨૧ સાહેદોની તપાસ સાથેના દસ્તાવેજી પુરાવા અને એફ.એસ.એલ, રિપોર્ટ વિગેરે ધ્યાને લઇ દુષ્કર્મની કલમ ૩૭૬માં થયેલા વર્ષ ૨૦૧૮ના સુધારાને લઈ અને સગીરા ૧૪ વર્ષથી નીચેની વયની હોવાથી આરોપીને તકસીરવાન ઠેરવી વીસ વર્ષની સખત કેદ તથા રૂપિયા ૧૦ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. એટલું જ નહીં, વળતર ચૂકવણીની રકમ હેઠળ સરકારમાંથી રૂપિયા પાંચ લાખની રકમ ડી.એલ.એસ.એ. દ્વારા આ સગીરાને ચુકવવા પણ વધુમાં હુકમ કર્યો છે.

(1:04 pm IST)