Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત જામનગર ખાતે રાજયકક્ષાના કૃષિ મેળાનું આયોજન કરાયું

૧૩ મોબાઇલ પશુ વાન તેમજ કૃષિ પરિવહનના અન્ય ર૦ વાહનોને લોકાર્પિત કરાયા

જામનગર તા.૨૯ :  રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્નશ્રી અટલબિહારી વાજપાઇના જન્મદિન નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કૃષિ, પશુપાલન, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો તેમજ સાધનસામગ્રી સાથે સહાય વિતરણ કાર્યક્રમનું કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શહેરના ઓશવાળ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

કૃષિ મંત્રીએ આ પ્રસંગે રાજકોટ, બન્ની તેમજ કાંકરેજ ખાતેની પશુપાલન વિભાગની કચેરીઓનું ઈ-લોકાર્પણ કર્યું હતું તેમજ બે હજારથી વધુ લાભાર્થીઓને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ, જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ, રાજ્ય કક્ષા-બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ, જિલ્લા કક્ષા-બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ, કાંટાળી તાર સહાય, ગૌ-સેવા અને ગૌચર બોર્ડ અંતર્ગત સહાય, વિના મિલ્યે છત્રી વિતરણ તથા મધમાખી ઉછેર સહાય પ્રમાણપત્ર, જમ્બો પ્લાસ્ટિક કેરેટ, કિશાન ક્રેડીટ કાર્ડ, મૈત્રી કીટ/પ્રમાણપત્ર વિતરણ, ખાણ-દાણ વિતરણ કીટ, સ્માર્ટ ફોન મંજુરીપત્ર, ટ્રેકટર તથા માલવાહન પરિવાહન સહાય મંજુરીપત્ર, રોટાવેટર તથા અન્ય સાધનો સહાય મંજુરીપત્ર, દેશી ગાય નિભાવ ખર્ચ સહાય પ્રમાણપત્ર, બાગાયત અધિકારી નિમણૂક પત્ર સહિતના લાભો એનાયત કર્યા હતા. તેમજ ૧૩ મોબાઇલ પશુ દવાખાના, ૧૦ ટ્રેકટર સહાય તેમજ ૧૦ મુખ્યમંત્રી કિસાન પરિવહન યોજના હેઠળના વાહનોને લીલીઝંડી આપી લોકાર્પિત કર્યા હતા.

આ પ્રસંગે મેયર મતી બીનાબેન કોઠારી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ  રમેશભાઈ મુંગરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત  વિશાલભાઈ જેસડિયાએ પોતાના કૃષિ અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, ગુજરાત એગ્રોના એમ.ડી. મહેશસિંહ, સચિવ નલીન ઉપધ્યાય,  ડી.પી.દેસાઇ રજીસ્ટ્રાર, કો-ઓપરેટીવ સોસાયટી, જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલ, કમિશ્રર ફિસરીઝ નિતિનભાઇ સાગવાન, વાઇસ ચાન્સેલર જુનાગઢ કૃષિ યુનિવર્સીટી  ડો.એન.કે. ગોંટીયા, ખેતી નિયામક એસ.જે.સોલંકી, બાગાયત નિયામક ડો.પી.એમ.વઘાસીયા, પશુપાલન નિયામક ડો. એફ.એસ.ઠાકર, નિયામક ડી.આર.ડી.એ.  રાયજાદા, જિલ્લા ખેતીવાડી અધિકારી  આગઠ, નાયબ બાગાયત નિયામક  લશ્કરી, પશુપાલન નિયામક ડો.ફાલ્ગુની ઠાકર, નાયબ ખેતી નિયામક વિસ્તરણ  ડઢાણીયા, આત્મા પ્રોજેકટ ડાયરેકટર ભંડેરી, નાયબ પશુપાલન નિયામક ડો. વિરાણી સહીતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં ખેડૂત ભાઇઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(12:54 pm IST)