Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

જૂનાગઢ પોલીસનું પ્રેરક કાર્ય માસ્ક વગરનાને દંડ નહીં, માસ્ક વિતરણ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા.૩૦:  રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં લોક ડાઉનમા છૂટછાટ આપવામાં આવેલ હોઈ, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર પાડી, માસ્ક ફરજીયાત પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા અંગે જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરુદ્ઘ કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. હાલમાં હોળી ધુળેટીના તહેવાર નિમિતે કોરોનાની ગાઈડ લાઇન્સના પાલન સાથે તહેવાર ઉજવવા પોલીસ દ્વારા મફતમાં માસ્ક વિતરણ કરી, માસ્ક પહેરવા જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરવામાં આવેલ હતો.

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને છૂટછાટ આપવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સૂચના આધારે લોકોમાં જાગૃતિ લાવવા કરવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા જૂનાગઢ શહેર એ, બી, સી, ભવનાથ પોલીસ સ્ટેશનનાના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો દ્વારા જૂનાગઢ શહેરમા આવેલ જુદા જુદા પોઇન્ટ ઉપર લોકો તથા વાહન ચાલકોને એકત્રિત કરી, લોકોને બ્રિફિંગ કરવામાં આવેલ હતું. જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.બી.સોલંકી, એ ડિવિઝનના પી.આઈ. આર.જી.ચૌધરી, સી ડિવિઝનના પીએસઆઇ પી.જે.બોદર, કે.એસ.ડાંગર, સહિતના અધિકારીઓની જુદી જુદી ટીમો બનાવી, સોશિયલ ડિસ્ટનસમાં તમામ પોઇન્ટ ઉપર લોકોને ભેગા કરી, હાલમાં હોળી ધૂળેટીનો તહેવાર હોઈ તેમજ દંડની રકમ રૂ. ૧,૦૦૦/- કરવામાં આવેલ હોઈ, લોકોની આવક એટલી ના હોય ત્યારે પોલીસનો હેતુ વધુ દંડ વસુલ કરવાનો નથી પણ લોકોને માસ્ક પહેરાવવાનો જ છે, તેવું સમજાવી, લોકોને દંડ ભરવો ભારે પડશે, જેથી માસ્ક અવશ્ય પહેરવા તાકીદ કરવામાં આવેલ હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી તથા સ્ટાફ દ્વારા ગાંધી ચોક, રેલવે સ્ટેશન ચોક, મજેવડી ગેઇટ, સુખનાથ ચોક, કાળવા ચોક, જેવા અનેક વિસ્તારોમાં માણસોને માસ્ક પહેરવાનું મહત્વ સમજાવી, મફતમાં માસ્કનું વિતરણ કરવામાં આવેલ હતું. ઉપરાંત, લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉજવણી કરવામાં આવે, એ પ્રકારે સુચનાઓ આપી, સામાન્ય નાગરિકો લોકોમાં હોળી ધુળેટીના તહેવારો સંબંધે જન જાગૃતિ લાવવા નવતર પ્રયોગ કરવામાં આવેલ છે. ઉપરાંત લોકોને મફતમાં માસ્ક વિતરણ પણ કરવામાં આવેલ હતું. લોકો દ્વારા પણ નિયમોના પાલન કરવા તેમજ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, સેનેટાઇઝર નો ઉપયોગ કરવા બાબતે ખાત્રી આપેલ હતી.

હાલના સંજોગોમાં હોળી ધુળેટીના તહેવારોમાં કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા જૂનાગઢ પોલીસ દ્વારા લોકોના હિતમાં ગાંધી ગીરી કરી, મફતમાં માસ્ક પહેરાવી, જાગૃતિ લાવવાના નવતર પ્રયોગ થી જૂનાગઢ પોલીસની સર્વત્ર સરાહના થઈ રહી છે.

(10:28 am IST)