Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

નરેન્દ્રભાઇ મોદીએ ફરી સુરેન્દ્રનગર જિલ્લાને મન કી બાતમાં યાદ કર્યો

પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામમાં આવેલ દીવાદાંડીને વડાપ્રધાને યાદ કરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩૦ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રવિવારે 'મન કી બાત' કાર્યક્રમમાં ઐતિહાસીક ઝીંઝુવાડાના ભવ્ય ભૂતકાળને વાગોળતા બંદરની જાહોજલાલીની વાતો કરી હતી. ઐતિહાસીક ગામના દરવાજાઓ, શી લાઓ, ગઢ અને પથ્થરની પણ વાતો દેશની જનતા સમક્ષ મૂકી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેલ્લા ઘણા વર્ષોથી મન કી બાત કાર્યક્રમ અંતર્ગત પ્રજાજનોના હિતને ધ્યાને લઈ પરિસ્થિતિને અનુરૂપ રાષ્ટ્રજોગ સંદેશ તેમજ મહત્વની જાણકારી પુરી પાડે છે અને દર મહિને એક વખત મન કી બાત કાર્યક્રમ અંતર્ગત લાઈવ માર્ગદર્શન આપે છે ત્યારે તાજેતરમાં ગઈકાલે યોજાયેલ મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુરેન્દ્રનગર જીલ્લાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો જેમાં કાર્યક્રમમાં પાટડી તાલુકાના ઝીંઝુવાડા ખાતે આવેલ લાઈટ હાઉસ (દીવા દાંડી)નો ઉલ્લેખ કરતાં પ્રજાજનોને આ લાઈટ હાઉસ અલગ પ્રકારનું અને ખાસીયત ધરાવે છે.

તેમજ આ લાઈટ હાઉસ જે જગ્યાએ સ્થાયી છે ત્યાંથી અંદાજે ૧૦૦ કિ.મી.થી વધુ અંતરમાં દરિયાઈ વિસ્તાર આવેલ છે તે સુચવે છે અને આ સ્થળે વિશેષ પ્રકારના પથ્થરો પણ ઉપલબ્ધ થશે તેમ મન કી બાત કાર્યક્રમમાં જણાવ્યું હતું અને આ અંતર્ગત દરિયાઈ વિસ્તાર ઝીંઝુવાડા ગામ સુધી ફેલાયેલો હોવાની જાણકારી દેશવાસીઓને આપી હતી.

આમ વડાપ્રધાન દ્વારા મનકી બાત કાર્યક્રમમાં ઝીંઝુવાડા ખાતે આવેલ લાઈટ હાઉસ (દીવા દાંડી)નો ઉલ્લેખ કરવામાં આવતાં ઝીઝુંવાડા ગામના સ્થાનીક આગેવાનો સુરૂભા ભીખુભા ઝાલા, મહેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા, અશોકસિંહ ઝાલાએ આનંદની લાગણી વ્યકત કરી હતી અને ઝીંઝુવાડા ખાતે આવેલ વિશેષ લાઈટ હાઉસ (દિવા દાંડી)નું મહત્વ સમજાવી ગર્વની લાગણી અનુભવી હતી.

(12:28 pm IST)