Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ધુળેટીમાં કોરોના નડયોઃ દર વર્ષ જેવો ઉત્સાહ ન દેખાયો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સામુહિક રંગપર્વની ઉજવણીઓ રદ્દઃ પારિવારીક માહોલમાં ઉજવણી

રાજકોટ, તા. ૩૦ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં રવિવારે હોળી પર્વની ઉજવણી બાદ કાલે સોમવારે રંગપર્વ ધુળેટીની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી.

કોરોના મહામારી વચ્ચે દર વર્ષ જેવો ઉત્સાહ જોવા મળ્યો ન હતો અને કોરોનારૂપી ગ્રહણ લાગ્યુ હોયતેમ ધુળેટીના દિવસે સામુહિક ધુળેટી ઉત્સવના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા.

કોરોના મહામારીથી બચવા માટે સરકારની ગાઈડલાઈનનું પુરતુ પાલન કરવામાં આવ્યુ હતું અને સાદાઈથી ધુળેટી પર્વની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉજવણી કરાઈ હતી.

જો કે અમુક વિસ્તારોમાં ધુળેટી પર્વમાં પણ મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

વડિયા

(ભીખુભાઈ વોરા દ્વારા) વડિયાઃ સમગ્ર દેશમાં હોળી અને ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. અસત્ય પર સત્યનો વિજય ઉપરાંત અવરોધરૂપ મુશ્કેલીઓ અને સમસ્યાઓને હોળીમાં દહન કરી રંગબેરંગી ખુશીયોના કલર જિંદગીમાં ભરાઈ તેવા શુભ ઉદ્દેશથી ઉજવાતો આ તહેવાર વડિયામાં પરંપરાગત ભવાની ચોકમાં યુવાનો દ્વારા હોળી પ્રગટાવીને ઉજવવામાં આવ્યો હતો. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે લોકોની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી હતી. કોરોનાકાળમાં સંક્રમણ ફેલાવાના ભયના લીધે લોકોએ જાહેર ભીડવાળા વિસ્તારોમાં જવાનુ ટાળ્યુ હોય તેવુ લાગી રહ્યુ હતું. સાથે સાથે બીજા દિવસે ધુળેટીની ઉજવણીના સમયે લોકો રંગબેરંગી કલરથી ઉજવણી કરી ખુશીયો વહેંચતા હોય છે, પરંતુ તે પણ નાના બાળકોએ કલરના રંગે રંગાઈ ખુશી માણી હતી. જ્યારે જાહેરમાં મોટા લોકો જોવા મળ્યા ના હતા. તેના પરથી એવુ લાગી રહ્યુ છે કે લોકોએ પોતાના પરિવારના સભ્યો સાથે જ ઘરની અંદર રહીને ધુળેટીના રંગના પર્વને ઉજવણી કરી હતી. જો કે કોરોના સંક્રમણને રોકવા આ બાબત ખૂબ જ જરૂરી હતી અને તે માટેની લોકોમાં જાગૃતિ આવતા કોરોના સંક્રમણ અટકશે તેવુ લાગી રહ્યુ છે, તો બીજી બાજુ આવા રંગોના પર્વને કોરોના રૂપી ગ્રહણ લાગતુ પણ જોવા મળ્યુ હતું.

(12:29 pm IST)