Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

વઢવાણ પોલીસે ૧૪ સ્થળોએ ચોરી કરનાર તસ્કરને ઝડપી લીધો : ધાર્મિક લાગણીઓ વર્તવી વૃધ્ધોને લૂંટતો હતો

વઢવાણ,તા. ૩૦: સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં વૃધ્ધોને લલચાવી ફોસલાવી અગરબત્ત્।ી વેચવાના બહાને ધાર્મિક વિધિના નામે સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરીના બનાવો વધી રહ્યાં હતાં જેને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડાની સુચનાથી વઢવાણ પીએસઆઈ સહિતના સ્ટાફે બાતમીના આધારે પેટ્રોલીંગ હાથધર્યું હતું.

જે દરમ્યાન વઢવાણ તાલુકાના આંબાવાડી વિસ્તારમાં નાથબાવા સોસાયટીમાં રહેતાં શખ્સ મનુભાઈ પુનમભાઈ સોલંકી નાથબાવા ઉ.વ.૪૨વાળાને ઝડપી પાડયો હતો જેની વધુ પુછપરછ દરમ્યાન આ આરોપી દ્વારા કુકર રીપેરીંગ,ટી.વી. ફ્રીજ રીપેરીંગ કરવાના બહાને ગામમાં જઈ ખાસ કરીને બપોરના સમયે એકલા રહેલ વૃધ્ધ મહિલાને ટાર્ગેટ બનાવતો હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત પોતે રામાપીરનો ભુવો હોવાનું જણાવતો હતો અને કોર્ટ કચેરી તેમજ વા-સાંધાના દુખાવા જેવી બીમારી મટાડી દેવાની વાતો કરી વૃધ્ધ મહિલાઓને વાતોમાં ભોળવી અગરબત્ત્।ી માતાજીના નામે અન્ય જગ્યાએ મુકવાનું જણાવી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની લુંટ ચલાવતો હોવાની કબુલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી એક બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જયારે ઝડપાયેલ આરોપીની વધુ પુછપરછ દરમ્યાન અલગ-અલગ પોલીસ મથકના ૧૪ જેટલા ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાનું પણ બહાર આવ્યું હતું. જયારે આ રેઈડ દરમ્યાન જીલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયા,ડીવાયએસપી એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ વઢવાણ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા સહિતના સ્ટાફે સફળ કામગીરી હાથધરી હતી.

(12:35 pm IST)