Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી

મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડક યથાવત : જો કે બપોરના સમયે ગરમી

રાજકોટ, તા. ર૯ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.

કાલે રાત્રીના તથા આજે વહેલી સવારે ઠંડકની અસર યથાવત રહી હતી. જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળા વાતાવરણ સાથે બપોરે અસહ્ય ઉકળાટ થાય છે.

ભૂજ

(વિનોદ ગાલા દ્વારા)  ભૂજઃ  (ભુજ) હવામાનના પલટા વચ્‍ચે કચ્‍છમાં ભર ઉનાળે ફરી એકવાર માવઠાની આગાહી કરાઈ છે. ગઇકાલે ૩૬ ડિગ્રી સાથે ભુજમાં ભારે ગરમી રહી હતી. સમગ્ર કચ્‍છ જિલ્લામાં અત્‍યારે સૂરજદેવ ની આણ વરતાઈ રહી છે. તે વચ્‍ચે આજથી બે દિવસ માવઠાની આગાહી કરાઈ છે. સાયકલોનિક અસર તળે મીની વાવાઝોડા સાથે કરા અને ભારે વરસાદ પડશે. જોકે, ગત બે સપ્તાહ દરમ્‍યાન બે વખત માવઠુ પડી ચૂકયું છે. ખેડૂતો માટે કપરી પરિસ્‍થિતિ સર્જાઈ છે. ઘઉં, એરંડા, રાયડો, જીરું ઉપરાંત દાડમ, કેરી સહિતના પાકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ત્‍યારે હજી વધુ એક માવઠાની આગાહી એ ચિંતા નું મોજું સર્જ્‍યું છે. માવઠા ના કારણે ગરમી, વરસાદ ઉપરાંત ઠંડી પડતાં વાતાવરણ માં આવેલા બદલાવે લોકોમાં રોગચાળો સર્જ્‍યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :  બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૧, મહતમ તાપમાન ૩૩.પ, ભેજનું પ્રમાણ ૮૬ ટકા, પવનની ગતિ ૮.ર રહી હતી.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૯ માર્ચ, ૨૦૨૩ થી  તા.૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી અમરેલી જિલ્લામાં કમોસમી માવઠું, સામાન્‍ય વરસાદ થવાની આગાહી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે મોટા ભાગે ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેવામાં આવતા જ હોય છે તેમ છતાં તકેદારીના યોગ્‍ય પગલાઓ ભરવા સૂચના છે. પાકને કમોસમી વરસાદથી થતી નુકશાનથી બચાવવા માટે ખેડૂતોના ખેત ઉત્‍પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તે પાકને તાત્‍કાલિક સલામત સ્‍થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા તે પાકોને પ્‍લાસ્‍ટિક તાડપત્રીથી યોગ્‍ય રીતે ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકે તેવા પગલા ભરવા. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્‍થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી  સાવચેતીના આગોતરાં પગલા લેવા અનુરોધ છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા જરુરી છે. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા તેમજ સાવચેતી જાળવવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત-અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

(2:54 pm IST)