Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

સરકારી વકીલે કહ્યું ઝૂલતા પુલની સાર સાંભળની તમામ જવાબદારી ઓરેવા ગ્રુપની છે : તેઓ જવાબદારીમાંથી છટકી ન શકે

મોરબીઃ અમારી સામે સાપરાધ મનુષ્‍યવધની કલમ હટાવોઃ જયસુખ પટેલની જામીન અરજીની સુનાવણીમાં ધારદાર દલીલો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૩૦: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જેલ હવાલે રહેલા ઓરેવા ગળપના એમડી જયસુખ પટેલ દ્વારા ચાર્જશીટ ફાઇલ થયા બાદ પ્રથમ વખત જામીન ઉપર મુક્‍ત થવા કરેલી અરજીની સુનાવણીમાં સરકારપક્ષ અને બચાવપક્ષે જોરદાર દલીલો આજે નામદાર મોરબી કોર્ટ સમક્ષ થઈ હતી જેમાં જયસુખ પટેલના વકીલ ઋતુરાજ નાણાવટીએ આ કેસમાં સાપરાધ મનુષ્‍યવધની કલમ ખોટી રીતે લગાવાઈ હોવાનું અને જયસુખ પટેલ મોરબીના પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિ હોય માત્ર સેવાના ઇરાદે જ ઐતિહાસિક ઝૂલતા પુલ લોકો માટે ખુલ્લો રહે તે માટે સંચાલન સાંભળ્‍યું હોવાની જોરદાર દલીલો કરી હતી, સામે પક્ષે સરકારી વકીલ એસ.કે.વોરાએ જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે આજે જ્‍યારે ઓરેવાએ હાઇકોર્ટમાં જવાબદારી સ્‍વીકારી કરોડો રૂપિયા વળતર પણ ચૂકવ્‍યુ છે અને અગાઉ પેટા કોન્‍ટ્રાકટર જેવા આરોપીઓને પણ નામદાર કોર્ટે જામીન આપ્‍યા નથી ત્‍યારે જયસુખ પટેલ મુખ્‍ય આરોપી હોય જામીન ન આપવા દલીલ કરી હતી.

મોરબીમા ૧૩૫ નિર્દોષ લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટના કેસના ઓરેવના એમડી જયસુખ પટેલે ચાર્જસીટ ફાઇલ થયા બાદ પ્રથમ વખત જામીન ઉપર છૂટવા અરજી કરતા આજે તેમના વકીલ ઋતુરાજ નાણાવટી અને રોહિત વર્માએ નામદાર મોરબી કોર્ટમાં ધારદાર દલીલો કરતા કહ્યું હતું કે, અમે કોઈ રીઢા ગુન્‍હેગાર નથી, મોરબીનો ઐતિહાસિક વારસો જળવાઈ રહે તે માટે પ્રતિષ્ઠિત નાગરિક તરીકે જયસુખભાઈએ પોતાના ખર્ચે અને નગરપાલિકાના કહેવાથી ઝૂલતા પુલનું સંચાલન સાંભળ્‍યું હતું જેથી તેમનો જરાપણ એવો ઈરાદો ન હતો કે આવી દુર્ઘટના સર્જાઈ, ખાસ કરીને સરકાર પક્ષે તપાસનીસ અધિકારી દ્વારા ગુન્‍હાહિત બેદરકારી સબબ લગાવવામાં આવેલી કલમ ૩૦૪નો વિરોધ કરી નગરપાલિકા અને ઓરેવા વચ્‍ચે થયેલા કરારમાં પુલનું ઇન્‍સ્‍પેકશન કરાવવું કે કેટલા લોકોને જવા દેવા અંગેની કોઈ સ્‍પષ્ટતા ન હોવાની સાથે પુલ નિર્માણથી અત્‍યાર સુધીમાં કેટલા લોકો પુલ ઉપર જઈ શકે તેવો કોઈ નિયમ ન હોવાનો અને તપાસનીશ અધિકારી આવો પુરાવો રજૂ કરી શકયા ન હોવાની દલીલ કરી જયસુખ પટેલ કોઈ પ્રોફેશનલ કોન્‍ટ્રાકટર ન હોવાનું ભાર પૂર્વક જણાવી જામીન મુક્‍ત કરવા નામદાર કોર્ટ સમક્ષ અરજ કરી હતી.

બીજી તરફ સરકારી વકીલ એસ.કે.વોરાએ જણાવ્‍યું હતું કે આ ગંભીર બેદરકારી છે, આપણા ઘરમાં હીંચકો હોય તો એના ઉપર બેસતા પહેલા પણ આપણે જોઈએ છીએ ત્‍યારે આ તો ઐતિહાસીક ઝૂલતો પુલ હતો.દુર્ઘટનાની તપાસમાં કેબલના ૮૪ પૈકી ૪૧ તાર તૂટેલા જોવા મળ્‍યા છે ત્‍યારે આ તે કેવું સંચાલન અને કેવું રીનોવેશમ? જેવા સવાલ ઉઠાવી ૨૦૦૮થી ઝૂલતો પુલ સાંભળનાર ઓરેવા કંપની આ જવાબદારીમાંથી જરાય પણ છટકી શકે તેમ ન હોવાની દલીલ કરી અગાઉ નામદાર મોરબી કોર્ટે આ કેસના અન્‍ય આરોપીઓને જામીન આપ્‍યા નથી અને હાઇકોર્ટે પણ જામીન નકાર્યા છે ત્‍યારે ખાસ કરીને હાઇકોર્ટમાં પોતાની બેદરકારી કબુલી કરોડો રૂપિયા વળતર ચૂકવનાર જયસુખ પટેલ મુખ્‍ય આરોપી હોય નામદાર કોર્ટને જામીન નહીં આપવા ભારપૂર્વક દલીલ કરી હતી. આ ચકચારી કેસમાં સંભવત બે ત્રણ દિવસમાં જ જામીન અરજી અંગે ફેંસલો આપવામાં આવનાર હોવાનું સરકારી વકીલ વોરાએ અંતમાં જણાવ્‍યું હતું.

(10:46 am IST)