Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

વિંછીયા તાલુકામાં સાત અમૃત સરોવર બનાવવામાં આવશે

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૩૦: ચોમાસાની ઋતુ પહેલાં જ જળ સંરક્ષણની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં ૭૫થી વધુ અમૃત સરોવરનું નિર્માણ લોક ભાગીદારીથી કરાઇ રહયું છે.  જેના ભાગ રૂપે વીંછિયા તાલુકાના પણ તળાવ ઊંડા ઊતરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વિંછીયા તાલુકા વિકાસ અધિકારી પાર્થરાજસિંહ પરમારએ જણાવ્‍યું હતું કે, જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા વિંછીયા તાલુકાના લાલાવદર ગામે અમૃત સરોવર અંતર્ગત તળાવ ઊંડું ઉતારવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેમજ તાલુકામાં કંધેવાળીયા, જનડા, પીપરડી, લાલાવદર, બંધાળી, વિંછીયા અને અમરાપુર એમ કુલ સાત ગામોમાં અમૃત સરોવરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેના નિર્માણ કાર્યની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. ઉલ્લેખનિય છે કે, ભારતભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ' અંતર્ગત વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરો બનાવવાનું અભિયાન રાજય સરકાર દ્વારા ચાલી રહ્યું છે

(9:58 am IST)