Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

જામજોધપુરનો કસ્‍ટોડીયન ડેથનો કેસ સુપ્રિમમાં પહોંચ્‍યો !!!

૧૮ મી એપ્રિલના થનારી સુનાવણીઃ જેલમાં રહેવા બરતરફ આઇપીએસ સંજીવ ભટ્ટની પુરાવા જોડવા રજુઆત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૩૦: દેવભુમી દ્વારકા જીલ્લો ન હતો ત્‍યારે ૩૩ વર્ષ પહેલા જામજોધપુર જે ખંભાળીયા ડીવીજનનું એક ગામ હતુ ત્‍યાં ૧૯૯૦ માં કસ્‍ટોડીયન ડેથ થયું હતું. જે પ્રકરણમાં બરતરફ થયેલા તથા હાલ જેલમાં  આઇપીએસ સંજીવ ભટ્ટે સુપ્રીમ કોર્ટમાં તેમને થયેલ સજાના હુકમને પડકારતી અરજીમાં વધુ પુરાવા જોડવા રજુઆત કરતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને જવાબ આપવા નિર્દેશ કર્યો છે.

આ બાબતે ઉલ્લેખનીય છે કે ૧૯૯૦માં  દેશભરમાં રમખાણો ફાટી નીકળ્‍યા હતા જેમાં જામજોધપુર પોલીસે ૧૩૩ વ્‍યકિતઓની ધરપકડ કરેલી જેમાં પ્રભુદાસ નામના પટેલ જ્ઞાતીના વ્‍યકિતનું પોલીસ કસ્‍ટડીમાં મોત નિપજયું હતું. આ કેસ વર્ષો બાદ ખુલ્‍યા પછી તત્‍કાલીન એએસપી સંજીવ ભટ્ટને આ મૃત્‍યુ માટે જવાબદાર ઠેરવીને જેલ સજા ફરમાવાઇ હતી. જેમાં તેઓ હાલ જેલમાં છે. ત્‍યારે આ ચુકાદાને પડકારીને પોતાની ફેવરમાં પુરાવા રજુ કરવા માંગ્‍યા છે. ૧૧-૪-૨૩ સુધીમાં ગુજરાત સરકાર કશુ કહેવા માંગતી હોય તો સુપ્રિમમાં જવાબ રજુ થઇ શકશે. આ કેસની સુનાવણી સુપ્રીમમાં ૧૮-૪-ર૩ના રોજ હાથ ધરવામાં આવનાર છે.

જામજોધપુર કસ્‍ટોડીયન ડેથ વધુ એક વખત ચર્ચામાં આવ્‍યું છે.

ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટ  ર૧-૧ર-૬૩ના મુંબઇમાં રાજેન્‍દ્ર ભટ્ટ પરીવારમાં જન્‍મેલા તથા આઇઆઇટી મુંબઇના સ્‍નાતક થઇને યુપીએલસીમાં પરીક્ષા આપી આઇપીએસ થયા હતા.

(12:00 pm IST)