Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ચોટીલામાં સર્વ પ્રથમ વખત આજે ભગવાન રામ જન્‍મોત્‍સવ પ્રસંગે શોભાયાત્રા નિકળી : મોટી સંખ્‍યામાં ધર્મપ્રેમીઓ જોડાયા

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા. ૩૦ : ઝાલાવાડનાં યાત્રાધામ ચોટીલા શહેરમાં પ્રથમવાર રામ જન્‍મોત્‍સવ એટલે રામ નવમી નિમિત્તે બાઇક રેલી અને શોભાયાત્રા નિકળેલ છે. જેમા બહોળી સંખ્‍યામાં રઘુનંદન એવા રામલલ્લાના જન્‍મોત્‍સવને ઉજવવામાં આવેલ છે.

ચોટીલા પ્રસિધ્‍ધ યાત્રાધામ છે, અનેક ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલ છે ભાઇચારા અને કોમી એખલાસ વચ્‍ચે રથયાત્રાનું ઠેર ઠેર ભવ્‍ય સ્‍વાગત ભગવાન રામચંદ્રજીની પ્રતિમાને ફૂલહાર અને આરતી ઉતારવામાં આવેલ હતી.

જન્‍મોત્‍સવ પ્રસંગે શહેરનાં ઇતિહાસમાં પ્રથમવાર શોભાયાત્રા અને બાઇક રેલીનું આયોજન વિશ્વ હિંન્‍દુ પરિષદ દ્વારા કરવામાં આવેલ હતુ જેમા મોટી સંખ્‍યામાં હિંદુ ધર્મ પ્રેમીઓ જય શ્રી રામના નારા સાથે જોડાયા હતા અને સેવાભાવી સંગઠનો દ્વારા ઠેર ઠેર રથયાત્રીઓ માટે ઠંડા પાણી, શરબત સહિતની સેવા કરવામાં આવેલ હતી.

આજે ગુરૂવારનાં સવારે પોપટપરા થી શોભાયાત્રા નિકળશે અને થાનરોડ, રામચોક, મસ્‍જિદ રોડ બસ સ્‍ટેશન સહિતનાં વિસ્‍તારોમાં ફરીને ધારશીબાપુની મોટી જગ્‍યાનાં રામજી મંદિર પહોંચી હતી અને મહા આરતી સાથે જન્‍મોત્‍સવ ને ઉજવવામાં આવેલ.

માર્ગમાં અનેક સ્‍થળોએ કોમી એખલાસ સાથે રથયાત્રાનું સ્‍વાગત કરાયેલ હતું ખાસ મુસ્‍લિમ વિસ્‍તારમા યાત્રાનું મુસ્‍લિમ બિરાદરોએ ભવ્‍ય સ્‍વાગત કરીને સર્વ ધર્મ સમભાવનો સંદેશો વહાવ્‍યો હતો.

પ્રથમવાર યોજાયેલ આ યાત્રામાં શહેરનાં ધર્મપ્રેમીઓ મોટી સંખ્‍યામાં જોડાય તે માટે આયોજકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી તેમજ રથને શણગાર અને ભગવાનની પ્રતિમાના કટ આઉટ ધજાઓ સહિતની તૈયારીઓ યાત્રાની પૂર્વ સંધ્‍યાએ આખરી ઓપ માટે પણ લોકો દ્વારા ઉત્‍સાહ સાથે કામગીરી હાથ ધરાયેલ હતી.

(1:09 pm IST)