Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખી સાળા અને બનેવી ઉપર ૧૦ શખ્‍સોનો છરીથી હુમલો

જુસબભાઇ જામને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા : ફાતેમામદભાઇને ઇજા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૩૦ : મોરબીની કલેકટર ઓફીસ નજીક પોસ્‍ટ ઓફીસ પાસે રાત્રીના બેઠેલ સાળા-બનેવી પર ૧૦ જેટલા શખ્‍સોએ છરી વડે હુમલો કરતા એક વ્‍યક્‍તિને ગંભીર ઈજા પહોચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યો હતો જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના કાંતિનગર મસ્‍જીદ નજીક રહેતા ફાતેમાંમદભાઈ દાઉદભાઈ કટીયા એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત સાંજના સુમારે તે વેજીટેબલ રોડ પર રહેતા તેના સસરા હબીબભાઈ જામના ઘરે આવ્‍યા હોય દરમિયાન તેના સાળા જુસબભાઈ હબીબભાઈ જામએ ફાતેમામદભાઈને બહાર જાય તેવું કહેતા બંને બજારમાં ગયા હતા અને કલેકટર ઓફીસ નજીક પોસ્‍ટ ઓફીસ પાસે સાળા જુસબભાઈના મિત્રો સાથે બેઠા હોય દરમિયાન આરોપી અસલમ હાજીભાઈ ખોળ, શાહરૂખ હાજીભાઇ ખોળ, અલ્‍તાફ હાજીભાઈ ખોળ, રાહુલભાઈ કોળી, અનિશભાઇ સુમરા, સાહિલ ઉર્ફે બાડો જેડા, રીયાઝભાઈ જેડા, રમજાનભાઈ મોવર અને બે અજાણ્‍યા માણસો ત્રણ ચાર મોટર સાઈકલ લઈને આવીને હાથમાં છરીઓ હોય અને ગાળો બોલવા લાગેલ અને સાળા જુસબને મારી નાખવાના ઈરાદે આરોપીઓ આડેધડ છરીના ઘા મારવા લાગ્‍યા હોય દરમિયાન ફાતેમામદભાઈ વચ્‍ચે પડતા તેને પણ એક છરીનો ધા વાગ્‍યો હતો.બાદમાં આસપાસના લોકો ભેગા થઇ જતા આરોપીઓ મોટર સાઈકલ લઈને નાશી ગયા હતા અને જુસબને પ્રથમ મોરબીની ખાનગી હોસ્‍પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યો હતો.

વધુમાં માહિતી મળી હતી કે આજથી બે અઢી મહિના પહેલા ઈજાગ્રસ્‍ત જુસબભાઈને હાજી સિધિકભાઈ ખોળ સાથે ઝધડો થયેલ હોય ત્‍યારે પણ જુસબને માર મારેલ હતો અને જુનો ખાર રાખીને હાજીભાઈના છોકરાઓ તેમના સાથે બીજા માણસોને છરીઓ સાથે જુસબને મારી નાખવાના ઈરાદે છરીના આડેધડ ઘા મારતા ઈજા થઇ છે જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી એસ પી ઓફિસથી માત્ર ૫૦૦ મીટર નજીક સરાજાહેર આ બનાવ બનતા ચર્ચા જાગી છે.

(1:10 pm IST)