Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

અંધશ્રધ્‍ધામાં અંધ પિતાએ અગિ્નકુંડમાં માસુમ દિકરીનાં પગ મુકાવી હાથમાં અગ્નિ લેવડાવી

કેશોદના મોટી ધંસારી ગામે માતાજીનો માંડવા પ્રસંગેવિરોધ કરતા માતા અને મોટી દિકરીને માર મારી ઇજા પહોંચાડીઃ પતિ તેમજ મહિલા સહિત સાત શખ્‍સો સામે પોલીસ ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૦ : જુનાગઢ જિલ્લામાંથી વધુ એક અંધશ્રધ્‍ધાનો કિસ્‍સો આવ્‍યો છે. જેમાં કેશોદના મોટી ઘંસારી ગામે ગજેરા પરિવારનાં માતાજીના માંડવા પ્રસંગે અંધશ્રધ્‍ધામાં અંધ થયેલા પિતાએ પોતાના માસુમ દિકરીનાં અગ્નિ પારખા કરાવ્‍યા હતા.

૧૩ વર્ષીય દિકરીને પિતાએ અગ્નિકુંડમાં પગ મુકાવી હાથમાં અગ્નિ લેવડાવતા આ દિકરી ગંભીર રીતે દાઝી ગઇ હતી.

આ બાબતનો વિરોધ કરતા પતતિએ તેનાથી અલગ રહેતી પત્‍ની  અને મોટી દિકરીને માર મારી ઇજા પહોંચાડી હતી. આ ત્રણેય વ્‍યકિતને સારવાર માટે જુનાગઢ સિવીલમાં ખસેડવામાં આવેલ.

આ અંગે મહિલાએ રાત્રે અઢી વાગ્‍યે ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સનસનીખેજ બનાવ અંગે હાલ જુનાગઢના સરદારનગરમાં રહેતા અનુ મુળ કેશોદના પાડોદર ગામના ૪પ વર્ષીય દમયંતીબેન પ્રફુલ ગજેરાએ તેના પાડોદર ગામેર હેતા પતિ પ્રફુલ પરસોતમ ગજેરા, ઉજીબેન જયેશ ગજેરા, રાહુલ ગજેરા, પોપટ ગજેરા, બાબુ નરસી ગજેરા અને ગોવિંદ ગજેરા સહિત કુલ સાત શખ્‍સો સામે રાત્રીના અઢી વાગ્‍યે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જેમાં મહિલાએ જણાવેલ કે, ગઇકાલે કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામના સીમ વિસ્‍તારમાં આવેલ ગજેરા પરિવારના કાદાવાળી ખોડીયાર માતાજીના મંદિરે માતાજીના માંડવાનું આયોજન કરવમાં આવે છે.

આ પ્રસંગે માતાજીનો યજ્ઞ પણ રાખવામાં આવ્‍યો હતો. જે માટે અગાઉથી પુર્વ યોજીત કાવત્રુ રચી પતિ પ્રફુલ ગજેરા ૧૩ વર્ષીય દિકરી સાધના મોટી દિકરી ૧પ વર્ષીય પુત્રી અને દમયંતીબેનને દર્શન માટે દોડી લઇ ગયેલ.

આ સમયે સાધના ધુણવા લાગતા તેને વળગાડ હોવાનું જણાવી ઉજીબેન જયેશે સાધનાના વાળ ખેંચી યજ્ઞમાં હાથમાં અગિ્ન લેવડાવી હતી. તેમજ અન્‍યની મદદથી સાધનાના પગ અગિ્નકુંડમાં મુકાવ્‍યા હતા.

અંધશ્રધ્‍ધા લઇ અમાનુષી ત્રાસ આપી અગ્નિ પારખા કરાવતા સાધના પીડાને લઇ બુમ બરાડા પાડવા લાગી હતી. આથી દમયંતીબેને વિરોધ કરતા તેને અને મોટી દિકરી યાત્રીને પતિ પ્રફુલ ગજેરા સહિતના સાત શખ્‍સોએ ઢીકાપાટુનો માર મારી અધમુઆ કરી નાંખ્‍યા હતા.

આ અંગે પોલીસે રાત્રીના અઢી વાગ્‍યે ફરિયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ. કે.જે.પટેલ ચલાવી રહયા છે.

(1:41 pm IST)