Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

શિવશંકર ભોલે કૈલાશી, દર્શન કે લીએ હૈ અંખિયા પ્યાસી...

ઢોલરાના 'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમમાં શ્રાવણની ઉજવણીઃ વિવિધ કલાત્મક હીંડોળા- ૧૦૮ દીપમાળા

રાજકોટ,તા.૩૦: શહેરની ૧૪ કિમી દૂર લોધીકા તાલુકાના ઢોલરા ગામે ચાલી રહેલ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનું લાડકું પ્રકલ્પ 'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમ છેલ્લા ૨૨ વર્ષથી નિરાધાર અને તરછોડાયેલા માવતરોની સેવા કરી રહ્યું છે. 'દીકર ઘર' વૃધ્ધાશ્રમમાં દરેક તહેવારોની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવે છે. હાલ વૃધ્ધાશ્રમના પરિસરમાં બીરાજતાં મંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસની દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે.

દર ૩ દિવસે અલગ અલગ પ્રકારના હિંડોળા દર્શન જેવા કે ઝરીના હિંડોળા, કાચના હિંડોળા, ગુલાબના હિંડોળા, મોરપીંછના હિંડાઇા, ખારેક હિંડોળા, પવિત્રના હિંડોળા, ફુલના હિંડોળા, બગીચા હિંડોળા તેમન લીંબુના હિંડોળા કરવામાં આવે છે.ઉપરાત મંગલેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થયેલ હોય રોજ સવાર-સાંજ ભકિતમય વાતાવરણની વચ્ચે ૧૦૮ વાટની દીપમાળા પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ભુખ્યા એ ભીખારી નહિ પરંતુ મારો સમાન દેહધર્મી ભાઇબહેન છે. એવું માનનારા સુખી સંપન્ન પરિવાર દ્વારા શ્રાવણ માસ નિમિતે 'દીકર ઘર'માં આશ્રય લઇ રહેલા માવતરોને ફરાળ તેમજ ભોજન પણ કરાવવામાં આવે છે. શહેરના સુખી સંપન્ન પરિવારને 'દીકરાનું  ઘર' વૃધ્ધાશ્રમમાં ચાલી રહેલ શ્રાવણ માસની ઉજવણીમાં ભાગ લેવા અપીલ કરવામાં આવે છે.

'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમમાં ચાલી રહેલા આ શ્રાવણ માસની ઉજવણીની વ્યવસ્થા સંસ્થાના મહિલા કમિટિના સભ્યો ગીતાબેન એ.પટેલ, રાધીબેન જીવાણી, કાશ્મીરા દોશી, કલ્પનાબેન દોશી, પ્રિતિબેન વોરા સંભાળી રહેલ છે. શ્રાવણ માસની આ ઉજવણીમાં સંસ્થાને મદદરૂપ થવા ઇચ્છતા દાતાઓ તેમજ સુખી સંપન્ન પરિવારો મુકેશ દોશી-૯૮૨૫૦ ૭૭૭૨૫, સુનીલ વોરા-૯૮૨૫૨ ૧૭૩૨૦, નલીન તન્ના -૯૮૨૫૭ ૬૫૦૫૫ તેમજ અનુપમ દોશી-૯૪૨૮૨ ૩૩૭૯૬ ઉપર સંપર્ક કરી શકે છે. સોશ્યલ ડીસ્ટન્સ સહિતના નિયમોનું પાલન થઇ રહ્યું છે.

આયોજનમાં સંસ્થાના કિરીટભાઇ આદ્રોજા, ઉપેનભાઇ મોદી, પ્રવિણ હાપલીયા, રાકેશભાઇ ભાલાળા સહિતના ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે. સંસ્થાના શ્રી મૌલેશભાઇ ઉકાણી, પ્રતાપભાઇ પટેલ, શિવલાલભાઇ આદ્રોજા, વલ્લભભાઇ સતાણી, ડો.નિદત બારોટ સહિતના આગેવાનો માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે.

(11:39 am IST)