Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

પડધરીના ન્યારા ગામે ગેરકાયદે પ્રેકટીસ કરતા રાજકોટના ડોકટર પરેશ વ્યાસની ધરપકડ

ડીગ્રી બીએચએમએસની અને પ્રેકટીસ કરતો'તો એમ.બી.બી.એસ.ની!! રૂરલ એસઓજીનો દરોડો

રાજકોટ તા. ૩૦ :.. પડધરીના ન્યારા ગામે બીએચએમએસની ડીગ્રી હોવા છતાં  એમબીબીએસની ગેરકાયદે પ્રેકટીસ કરી કલીનીક ચલાવતા રાજકોટના ડોકટરને રૂરલ એસઓજીએ ઝડપી લીધો હતો.

કોવીડ મહામારી અનુસંધાને બોગસ ડીગ્રી ધરાવતા ઇસમોને શોધી કાઢવાની રૂરલના ઇન્ચાર્જ એસ. પી. પ્રવિણકુમાર મીણાની સુચના અન્વયે રૂરલ એસઓજીના પી.આઇ. અજયસિંહ ગોહીલ તથા પીએસઆઇ એચ. ડી. હીંગરોજાની ટીમે પડધરીના ન્યારા ગામે કાશીબા કલીનીકમાં દરોડો પાડી તપાસ કરતા બીએચએમએસની ડીગ્રી ધરાવતા ડોકટર પરેશ પ્રાણશંકરભાઇ વ્યાસ રે. બજરંગાડી શેરી નં. ૯, રાજકોટ એલોપેથીની પ્રેકટીસ કરતા હોવાનું ખુલતા તેને પકડી પાડી પડધરી પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરી હતી. પોલીસે કલીનીકમાંથી જુદા જુદા પ્રકારની એલોપેથીક દવાઓ, ઇન્જેકશનો, ગ્લુકોઝના બાટલાઓ તથા એલોપેથી મેડીકલ પ્રેકટીશને લગતા સાધનો કબ્જે કર્યા હતાં.

પોલીસના જણાવ્યા મુજબ ડો. વ્યાસ છેલ્લા આઠેક વર્ષથી બીએચએમએસની ડીગ્રી હોવા છતાં એલોપેથી ડોકટર તરીકે પ્રેકટીસ કરતા હતાં.

આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના એ. એસ. આઇ. પરવેઝભાઇ સમા, હેડ કો. હિતેશભાઇ અગ્રાવત તથા પો. કો. વિજયગીરી ગોસ્વામી રોકાયા હતાં.

(12:34 pm IST)