Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જામનગરમાં ચોરી કરતી ગેંગના ૪ શખ્સોની ધરપકડ

એલસીબીએ ૨૫ તોલા સોનું પણ કબજે કર્યું : જામજોધપુરમાં બંગાળી કારીગરને ઘરે ૨૦ મેની રાત્રે તસ્કરોએ ત્રાટકી કુલ ૨૯ તોલા સોનાની ચોરી કરી હતી

જામનગર, તા. ૩૦ : જામનગર જિલ્લાના જામજોધપુર માં આવેલ સુભાષ રોડ પરના ભુત મેડી વાળી શેરીમાં બંગાળી કારીગર ને ઘરે ૨૦ મે,૨૦૨૧ના રાત્રે કેટલાક તસ્કરોએ ત્રાટકી ૨૯ તોલા સોનાની ચોરી કરી હતી. તસ્કરોએ ૧૧.૬૨ લાખના સોનાની સાથે રૂમની અંદર રહેલા સીસીટીવી કેમેરાના DVRને પણ સાથે લેતા ગયા હતા. જેથી આ સમગ્ર બનાવ અંગે સોનાની ઘડામણની દુકાન ધરાવતા હનીફ કરીમભાઈ શેખ નામના બંગાળી કારીગર દ્વારા પોલીસમાં આ અંગે જાણ કરતાં જ જામજોધપુર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી .

આ ઘટનાને પગલે જામજોધપુર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને તાત્કાલિક જામનગર થી એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ ચકચારી સોનાની ચોરી પ્રકરણમાં જામજોધપુર ઉપરાંત જામનગર જિલ્લામાં એલ.સી.બી અને એસ.ઓ.જી દ્વારા આસપાસના ટોલનાકાના સીસીટીવી ફૂટેજ અને જુદી જુદી દિશાઓમાં પોતાના બાતમીદારોને એલર્ટ કરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો જેમાં જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચને જામજોધપુરની આ ચકચારી ચોરી પ્રકરણમાં સંડોવાયેલા ચાર શકશો કાલાવડ નજીકથી પસાર થયા ની માહિતી ધ્યાને આવતાં જ એલસીબીએ તાત્કાલિક જામનગર કાલાવડ હાઇવે પર જુદી જુદી જગ્યાઓએ ટીમો બનાવી વોચ ગોઠવી હતી.

જામનગરના કાલાવડ હાઇવે પર મહાપ્રભુજીની બેઠક પાસે કાલાવડ થી જામનગર તરફ આવી રહેલા ય્ત્ન.૦૩.ત્નઊ.૧૪૧૪ તથા ય્ત્ન.૦૩.દ્ભઈ.૩૩૩૧ નંબરના બે બાઇક લઇને આવી રહેલા રાજકોટના ભાવનગર રોડ ચુનારાવાડ ચોકમાં રહેતા ભાવેશ સુરેશભાઈ પરીયા, મોહિત હસમુખભાઈ વિછણીયા, રવિ રાજુભાઈ સોલંકી અને અનિલ ઉર્ફે મનિયો ચતુરભાઈ સતાપરા નીકળ્યા હતા. જેને એલસીબીએ દબોચી લીધા હતા અને તેના કબજામાંથી  રૂપિયા ૧૧,૨૫,૧૧૧ની કિંમતના ૨૫ તોલાના ના નાના ઢાળીયા, બે મોટરસાયકલ અને ચાર મોબાઇલ ફોન સાથે કુલ રૂપિયા ૧૧ લાખ ૯૬હજાર ૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી વધુ ચોરાયેલ અન્ય ચાર તોલા સોનું તેમજ સીસીટીવીના ડીવીઆર સહિતનો મુદ્દામાલ કબ્જે કરવા તપાસ હાથ ધરી છે. અને આ ઉપરાંત તેની સાથે અન્ય કોઈ ચોર ટોળકીના બે સાગરિતો છે કે કેમ તે અંગે પણ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(9:53 pm IST)