Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની પ્રશ્નોતરીમાં સટ્ટાસટ્ટી: સભ્યદીઠ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવી પડી!

કોરોનાના પ્રશ્નો ઉઠતા જ માસ્ક વિના બેઠેલા પદાધિકારીઓ, સદસ્યોએ ફટાફટ માસ્ક પહેર્યા ! !: આખરે જિલ્લા પંચાયતમાં વિપક્ષને બેસવા માટે ચેમ્બર મળી

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. પણ પ્રશ્નોતરીમાં સામાન્ય સભા ભારે તોફાની બની રહી હતી.જેમાં આરોગ્ય, સિંચાઈ, રોડ રસ્તાના કામોને લઈને ભારે તડાફડી બોલી હતી.જો કે હાલ મોરબીમાં કોરોના વિસ્ફોટ સ્થિતિ વચ્ચે પદાધિકારીઓ અને સદસ્યો માસ્ક વગર જ બેઠા હતા.પણ કોરોનાને લગતા પ્રશ્નો આવતા નિયમનું ભાન થયું હોય એમ પ્રમુખ તેમજ ચેરમેન સહિતનાએ આરોગ્ય વિભાગ પાસેથી તાબોડતોબ મંગાવીને માસ્ક પહેર્યા હતા.

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા,ડીડીઓ પરાગ ભગદેવ, ડે. ડીડીઓ ઇલાબેન ગોહિલ, ઇસીતાબેન મેર તેમજ ચેરમનો અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ૧૨ એજન્ડાનો સમાવેશ કર્યા બાદ એક નાણાપંચના જિલ્લા કક્ષાના આયોજનને પેન્ડિગ રાખી બાકીના તમામ એજન્ડાને સહમતીથી પસાર કરાયા હતા.જ્યારે પ્રશ્નોતરીમાં ૩૯ જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. જેમાં આરોગ્ય, શિક્ષણ, માર્ગ મકાન,સમાજ કલ્યાણ સહિતના પ્રશ્નોમાં ભારે તડાપીટ બોલી હતી.ખાસ જિલ્લા પંચાયતની ડાયરી, શાળાઓમાં ૧૪૭ ઓરડા અને ૫૩૪ શિક્ષકની ઘટ, માર્ગ અને મકાન વિભાગના પ્રશ્નો, તેમજ મોટાભાગના વિભાગમાં સ્ટાફ ઘટ, આરોગ્ય વિભાગમાં મહત્વની જગ્યા ખાલી અને રોડ રસ્તાના કામો બાકી,નાની સિંચાઈનો પ્રશ્ન ખુદ ચેરમેને ઉઠાવ્યા બાદ નાની સિંચાઈ યોજનામાં કૌભાંડ બાદ સિંચાઈના અધુરા કામો મુદ્દે વિપક્ષે પ્રશ્નો ઉઠાવી હોબાળો મચાવ્યો હતો.
બજેટ પૂરું થવા આવ્યું છતાં જોગવાઈ મુજબના એકપણ સિંચાઈના કામો બાકી રહ્યા હોવાથી વિપક્ષે ભારે ઉહાપોહ કર્યો હતો. ખુદ આરોગ્ય સમિતિના ચેરમેને આરોગ્ય સ્ટાફની વિવિધ ખાલી જગ્યાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ખેડૂતોને ૨૦૦ લીટર ડ્રમમાં કેટલી અરજી આવી તે પ્રશ્નના જવાબમાં ૩૧૭૮૮ અરજી આવી હોય પણ હજુ એકપણને સહાય મળી નથી. જિલ્લો બન્યા પછી ૪૦ ગામતળ નિમી ૧૦૦ ચો. મી.ના ૪૮ પ્લોટ ફળવાયા છે. ઘણા સમયથી માંગને પગલે આખરે વિપક્ષને બેસવા માટે ચેમ્બર ફાળવવામાં આવી છે.જ્યારે શાસક પક્ષના નેતાએ જિલ્લા પંચાયત કચેરીનું કામ નબળું હોય એજન્સીની ડિપોઝીટ છૂટી ન કરવા રજુઆત કરતા બાંધકામ સમિતિના ચેરમેન સાથે ચર્ચા કરી આ અંગે યોગ્ય કાર્યવાહી કરાશે. આમ નવઘણ મેઘાણીએ ૧૪, સરોજબેન ગાંભવાએ ૩, શાસક પક્ષના નેતા હીરાભાઈ ટમારીયાએ ૧૮ અને ભુપેન્દ્ર ગોઘણીએ ૩, અસ્મિતાબેન ચીખલીયાએ ૧ પ્રશ્ન એમ વધુ પ્રશ્નો આવતા પ્રમુખે સભ્યદીઠ દસ પ્રશ્ન પૂછવાની મર્યાદા નક્કી કરી હતી. જ્યારે રેતી કંકળના કામોને બહાલી આપી સ્વંભંડોળમાંથી સ્પેમ્પ ડ્યુટીના કામો મંજુર કર્યા હતા.

(10:16 pm IST)