Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ભારતનો પૂર્વ ફાસ્ટ બોલર ઝહિર ખાન અને અભિનેત્રી સાગરિકા ઘાટગેનો ધર્મ પ્રેમની વચ્ચે દિવાલ બની શક્યો ન હતોઃ અનેક ક્રિકેટરો આ બાબતે ચર્ચામાં હતા

નવી દિલ્લીઃ કોઈ શાયરે કહ્યું છે કે પ્રેમમાં ન ઉંમરની સીમા હોય, ન જન્મોનો હોય બંધન. ટીમ ઈન્ડિયાના અનેક ક્રિકેટર્સ એવા છે જેઓ આ વાતને સાચા સાબિત કરી ચુક્યા છે. આ સ્ટાર પ્લેયર્સે લગ્ન માટે ધર્મની દીવાર પણ તોડી નાખી અને જમાનાના રિવાજોને માનવાનો ઈન્કાર કરી દીધો. અહીં અમે તમને આવી જ કેટલીક લવ સ્ટોરી વિશે માહિતગાર કરશું.

ઝહિર ખાન અને સાગરિકા ઘાટગે

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઝહિર ખાને વર્ષ 2017માં બોલિવુડ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથેની સગાઈની ઘોષણા કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. તે જ વર્ષે, આ દંપતીએ કોર્ટ મેરેજ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝહીર મુસ્લિમ છે અને સાગરિકા હિન્દુ છે, પરંતુ આ બંનેનો ધર્મ પ્રેમની વચ્ચે દીવાલ બની શક્યો નહીં.

મોહમ્મદ કૈફ અને પૂજા યાદવ

મોહમ્મદ કૈફે અનેક મેચમાં ટીમ ઈન્ડિયાને જીતી અપાવી છે. તેઓ નોઈડા સ્થિત પત્રકાર પૂજા યાદવના પ્રેમમાં પડ્યા હતા. મોહમ્મદ કૈફ મુસ્લિમ છે અને પૂજા હિન્દુ છે. બંનેના લગ્ન વર્ષ 2011માં થયા હતા.

મન્સૂર અલી ખાન અને શર્મિલા ટાગોર

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડી બોલિવુડ અભિનેત્રી શર્મિલા ટાગોરના પ્રેમમાં પડી ગયા હતા. પટૌડી ઈસ્લામના ધર્મને માનતા હતા, પરંતુ તેમણે હિન્દુ યુવતીને અપનાવવામાં કોઈ સંકોચ કર્યો નહીં. બંનેના લગ્ન વર્ષ 1969માં થયાં હતા.

દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લિકલ

દિનેશ કાર્તિકની અંગત જિંદગી એકદમ અલગ રહી છે. તેમણે નિકિતા સાથે પહેલા લગ્ન કર્યાં, પરંતુ નિકિતાનું મુરલી વિજય સાથે અફેર હતું. જેથી કાર્તિકે તેની પહેલી પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા. જે બાદ સ્ક્વોશ પ્લેયર દીપિકા પલ્લિકલ કાર્તિકના જીવનમાં આવી. બંનેએ વર્ષ 2015માં લગ્ન કર્યાં હતાં. દિનેશ કાર્તિક હિન્દુ છે અને દીપિકા ક્રિશ્ચિયન છે તેથી બંનેના રિવાજ મુજબ બંનેના લગ્ન થયા.

મોહમ્મદ અઝહરુદ્દીન અને સંગીતા બિજલાની

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું અંગત અને વ્યાવસાયિક જીવનમાં અનેક ઉતાર-ચઢાવથી ભરેલું છે. તેમણે 1987માં નૌરીન સાથે લગ્ન કર્યાં, પરંતુ બંનેએ 1996માં છૂટાછેડા લઈ લીધા. તે જ વર્ષે, અઝહરે બોલિવુડ અભિનેત્રી સંગીતા બિજલાની સાથે લગ્ન કર્યા, પરંતુ તેમના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને તેઓ પણ અલગ થઈ ગયા.

અજિત અગરકર અને ફાતિમા

ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલર અજિત અગરકરે પણ તેના અન્ય ધર્મના જીવનસાથી સાથે લગ્ન કર્યા છે. અજિત હિન્દુ ધર્મના છે, જ્યારે તેમની પત્ની ફાતિમા શિયા મુસ્લિમ છે. વર્ષ 2007માં તેમણે એકબીજા સાથે લગ્ન કર્યા. ફાતિમા અગરકરની બહેનની એક નજીકની મિત્ર છે, અહીંથી જ તેનો પરિચય થયો અને પ્રેમ પાંગર્યો હતો.

યુવરાજસિંહ અને હેઝલ કીચ

ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર ઓલરાઉન્ડર રહી ચૂકેલા યુવરાજસિંહે વર્ષ 2015માં બોલિવુડ અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા. યુવી એક શીખ છે, જ્યારે હેઝલ ક્રિશ્ચિયન છે. લગ્ન પછી, હેઝલે તેનું નામ ગુરબાસંત કૌર રાખ્યું છે.

(4:48 pm IST)