Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

માંડ માંડ જીત્‍યા... ટીમ ઇન્‍ડિયાએ પ્રથમ વખત આફ્રિકા સામે સિરીઝ જીતી

રાહુલ, રોહિત, સૂર્યા, વિરાટના ધમાકા બાદ મિલર અને ડીકોકની પણ લાજવાબ બેટીંગ : જંગી જુમલો ખડકયા બાદ આપણા બોલરોએ શરૂઆતમાં વિકેટો ઝડપી પછી ખુબ જ ધોવાયા હતા

નવી દિલ્‍હી, તા.૩: ગુવાહાટીમાં રમાયેલી બીજી T૨૦માં ટીમ ઈન્‍ડિયાએ દક્ષિણ આફ્રિકાને ૧૬ રને હરાવ્‍યું હતું. આ સાથે જ ટીમ ઈન્‍ડિયાએ ત્રણ મેચની આ સિરીઝમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ઘરઆંગણે રમીને ટીમ ઈન્‍ડિયાએ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા સામે  સિરીઝ જીતી છે. ટીમ ઈન્‍ડિયાએ પહેલાં બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૩૭ રન બનાવ્‍યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ડેવિડ મિલરની તોફાની સદીના કારણે ઓવરમાં ૨૨૧ રન જ બનાવી શકી હતી.૨૩૮ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને માત્ર એક રનના સ્‍કોર પર ટીમના ૨ બેટ્‍સમેન આઉટ થઈ ગયા હતા. ટીમને પહેલો ફટકો કેપ્‍ટન બાવુમાના રૂપમાં અને બીજો ફટકો રિલે રુસોના રૂપમાં લાગ્‍યો હતો. અર્શદીપ સિંહે આ બંને આફ્રિકાના બેટ્‍સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. આ પછી માર્કરામ અને ડી કોકે આફ્રિકન ઇનિંગ્‍સને સંભાળી અને ટીમનો સ્‍કોર ૪૦ સુધી પહોંચાડ્‍યો હતો, જોકે સારી બેટિંગ કરી રહેલા માર્કરામ ૩૩ના સ્‍કોર પર અક્ષર પટેલના બોલ ઉપર બોલ્‍ડ થયો હતો.ᅠᅠમાર્કરામના આઉટ થયા બાદ ડેવિડ મિલર અને ડી કોકે દાવ સંભાળ્‍યો હતો અને આફ્રિકાની અન્‍ય કોઈ વિકેટ પડવા દીધી નહોતી. આફ્રિકન ટીમ વતી ડેવિડ મિલરે ૪૭ બોલમાં સાત સિક્‍સર અને આઠ ચોગ્‍ગાની મદદથી ૧૦૬ રન બનાવીને સદી ફટકારી હતી. તેના સિવાય ક્‍વિન્‍ટન ડી કોકે ૪૮ બોલમાં ચાર સિક્‍સર અને ત્રણ ચોગ્‍ગાની મદદથી ૬૯ રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. જો કે, આ બંનેની ઇનિંગ્‍સ પણ આફ્રિકન ટીમને જીત અપાવી શકી ન હતી અને ભારતે ૧૬ રને મેચ જીતી લીધી હતી.પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. ભારતીય કેપ્‍ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે પ્રથમ વિકેટ માટે ૯.૫ ઓવરમાં ૯૬ રન બનાવ્‍યા હતા. રોહિત શર્માએ ૩૭ બોલમાં ૪૩ રન બનાવ્‍યા હતા જયારે કેએલ રાહુલે ૨૮ બોલમાં ૫૭ રનનું યોગદાન આપ્‍યું હતું.આ બંનેના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવે ૨૨ બોલમાં ૬૧ રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન ૫ સિક્‍સ અને ૫ ફોર ફટકારી હતી. આ સિવાય વિરાટ કોહલીએ ૨૮ બોલમાં અણનમ ૪૯ રન બનાવ્‍યા હતા. સૂર્યકુમાર યાદવે ક્રિઝ પર આવતા જ તોફાની અંદાજમાં પોતાની રમતની શરુઆત કરી હતી. તેણે ચોગ્‍ગા અને છગ્‍ગા ફટકારવાની શરુઆત કરીને દક્ષિણ આફ્રિકાના બોલરોને રાહુલની વિકેટ બાદ સહેજ પણ રાહત સર્જાવા દીધી નહોતી. એક સમયે રાહુલની વિકેટ બાદ દક્ષિણ આફ્રિકાને રાહતની વિકેટનો અહેસાસ થયો હતો. પણ સૂર્યાની રમતથી પ્રવાસી ખેલાડીઓના ચહેરા પહેલાની જેમ નિરાશ બની ગયા હતા. સૂર્યાએ ૧૮ બોલમાં અડધી સદી નોંધાવી હતી. સૂર્યાએ ૨૨ બોલમાં જ ૬૧ રનની ઈનીંગ નોંઘાવી હતી. તેણે ૫ છગ્‍ગા અને ૫ ચોગ્‍ગા નોંધાવ્‍યા હતા. પરંતુ તે ટીમનો સ્‍કોર ૨૦૯ રન પર હતો, ત્‍યારે સૂર્યકુમાર યાદવ રન આઉટ થયો હતો. દિનેશ કાર્તિકે ૭ બોલમાં ૨ છગ્‍ગા અને ૧ ચોગ્‍ગા વડે ૧૭ રન કર્યા હતા. વિરાટ કોહલી ૧ રન માટે અડધી સદી ચૂક્‍યો હતો, જોકે તે અંત સુધી અણનમ રહ્યો હતો. તેણે ૨૮ બોલમાં ૪૯ રન નોંધાવ્‍યા હતા.

(3:34 pm IST)