Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ટીમ ઇન્ડિયાને ઝટકો : જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચ પહેલા તેને પીઠમાં ઈજા થઈ હતી BCCIએ તેને વર્લ્ડ કપમાંથી બાકાત રાખવાની પુષ્ટિ કરી

મુંબઈ :ઓસ્ટ્રેલિયામાં રમાનાર ICC T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચ પહેલા તેને પીઠમાં ઈજા થઈ હતી. ત્યારથી આ અટકળો લગાવાઈ  રહી હતી. હવે BCCIએ તેને વર્લ્ડ કપમાંથી બાકાત રાખવાની પુષ્ટિ કરી છે.

BCCIએ પોતાના નિવેદનમાં કહ્યું કે બીસીસીઆઈની મેડિકલ ટીમે જસપ્રીત બુમરાહને આઈસીસી ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમમાંથી બહાર કરી દીધો છે. આ નિર્ણય ઉંડી તપાસ અને નિષ્ણાતોની સલાહ બાદ લેવામાં આવ્યો છે.

 

આ પહેલા બુમરાહ સાઉથ આફ્રિકા સામે રમાયેલી 3 મેચની ટી-20 સિરિઝમાંથી બહાર થયો હતો. આ સિરિઝની બે મેચ યોજાઈ ચૂકી છે અને બંને મેચમાં બુમરાહ ગ્રાઉન્ડ પર રમતો જોવા મળ્યો નથી. તેમની પીઠની ઈજાનું કારણ બહાર આવ્યું ત્યારે જ કહેવામાં આવી રહ્યું હતું કે તે વિશ્વ કપથી બહાર થઈ શકે છે. ત્યારે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટીમમાં બુમરાહની જગ્યા કોણ લેશે. ત્યારે સૌ પ્રથમ નામ મોહમ્મદ શમીનું આવે છે. તેની પાસે બહોળો અનુભવ પણ છે અને તે વિશ્વ કપ માટે સ્ટેન્ડબાયમાં પણ છે. આ સિવાય મોહમ્મદ સિરાજ અને દીપક ચાહરનું નામ પણ ચર્ચામાં છે. ત્યારે આ મામલે હવે BCCI થોડા સમયમાં જાહેરાત કરશે.

 

(10:01 pm IST)