Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

ડેનિસ લીલીએ મને 'ગેટલોસ્ટ' કહેતા મેં અને ચેતન ચૌહાણે મેદાન છોડી દીધું હતું

૧૯૮૧માં મેલબોર્ન ટેસ્ટની ઘટના અંગે સુનિલ ગાવસ્કરે ફોડ પાડયો

મેલબર્નઃ ૧૯૮૧માં રમાયેલી મેલબર્ન ટેસ્ટમાં ભારતના ઓપનર સુનીલ ગાવસકરે પોતાના સાથી ખેલાડી ચેતન ચૌહાણ સાથે મેદાન છોડીને ચાલ્યા ગયા હોવાની ઘટનાને વાગોળતા કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન પ્લેયર ડેનિસ લિલીએ મને 'ગેટ લોસ્ટ' કહ્યું હોવાથી હું મારા સાથી ખેલાડી સાથે મેદાન છોડીને ચાલ્યો ગયો હતો.

વાસ્તવમાં અમ્પાયર રેકસ વ્હાઇટહેડે ગાવસકરને એલબીડબ્લ્યુ આઉટ આપ્યો હતો, પણ તે અમ્પાયરના આ નિર્ણયથી ખુશ નહોતો. આ સંદર્ભે ગાવસકરે કહ્યું કે 'એક ખોટી માન્યતા એવી છે કે હું એલબીડબ્લ્યુના એ નિર્ણયથી ખુશ નહોતો. હા, હું એ નિર્ણયથી નારાજ જરૂર હતો, પણ મેં ચાલતી એટલા માટે પકડી, કારણ કે જયારે હું ચેતનની બાજુમાંથી પસાર થયો ત્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીએ મને 'ગેટ લોસ્ટ' કહ્યું એટલે મેં ચેતનને પણ મારી સાથે આવવાનું કહ્યું હતું.

જયારે અમ્પાયરે ગાવસકરને આઉટ આપ્યો ત્યારે તેણે ગુસ્સામાં પોતાના બેટ વડે પેડ પર ફટકો માર્યો હતો. આ બન્ને ખેલાડી જયારે મેદાન છોડીને જઈ રહ્યા હતા ત્યારે પણ લિલી ઘણી કમેન્ટ કરી રહ્યો હતો. ગાવસકર અને ચેતનને બાઉન્ડરીલાઇન પાસે મેનેજર દુર્રાની અને અસિસ્ટન્ટ મેનેજર બાપુ નાડકર્ણી પણ મળ્યા હતા.

(11:15 am IST)