Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં પોતાનું સ્થાન પાકુ કરવા ૬ માંથી ૩ ટેસ્ટ જીતવા પડશે

પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી બે ટીમો વચ્ચે જૂનમાં ફાઇનલ રમાશેઃ ફાઇનલમાં પહોંચવા ૧૨૦ પોઇન્ટની જરૂરી : ભારતે હજુ બે ટેસ્ટ સિરીઝ રમવાની બાકી

રાજકોટ તા.૪ : ટીમ ઇન્ડિયા હજુ બે ટેસ્ટ શ્રેણી (ઓસ્ટ્રેલિયા સામે બે અને ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ)માં છ ટેસ્ટ રમવાની છે. જો ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાન સામે શ્રેણી ર-૦ થી જીતી જશે તો ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલી સર્જાઇ શકે છે. આ સ્થિતિમાં ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં પોતાનુ સ્થાન નિશ્ચિત કરવા માટે છ માંથી ત્રણ ટેસ્ટ તો જીતવી જ પડશે.

ડબલ્યુટીસીની ફાઇનલ આગામી વર્ષે જૂનમાં પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી બે ટીમ વચ્ચે રમાશે. ઓસ્ટ્રેલીયા, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલમાં પહોચવા માટે રેસ જામી છે. જો કે વર્ષનો અંત ભારતીય ટીમ ડબલ્યુટીસીમાં બીજાસ્થાને રહીને કરશે. નવી સિસ્ટમમાં ટીમોનું રેન્કીંગ તેના પોઇન્ટસના આધાર પર નહી પરંતુ જીતની ટકાવારી પર કરવામાં આવે છે.

ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ શ્રેણી શરૂ થઇ એ પહેલા ભારતની સરેરાશ ૭૫ ન્યુઝીલેન્ડની ૬૨.૫૦ હતી હવે જો ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાન સામે ર-૦ થી શ્રેણી જીતી જાય તો તેની જીતની સરેરાશ ૭૦ થઇ જશે. આ સ્થિતિમાં ટીમ ઇન્ડિયાને ૭૦ થી વધુ સરેરાશ હાંસલ કરવા માટે લગભગ ૧૨૦ પોઇન્ટની જરૂર છે. ભારતે હજુ બે ટેસ્ટ શ્રેણી રમવાની બાકી છે.

અન્ય એક સમીકરણ પ્રમાણે બે જીત અને ચાર ટેસ્ટ ડ્રો રહેવાની સ્થિતિમાં પણ ટીમ ઇન્ડિયા કવોલીફાય કરી લેશે. ઓસ્ટ્રેલીયા સામે વધુ એક જીત ટીમ ઇન્ડિયાનું કામ આસાન કરી દેશે. ઓસ્ટ્રેલીયા જો ભારત સામે ચાર મેચ ની શ્રેણી ૩-૧ થી જીતી લેશે તો દક્ષિણ આફ્રિકા સામે અંતિમ શ્રેણી ૧-૧ થી ડ્રો રહેશે તો પણ કાંગારૂ ટીમ ફાઇનલમાં પહોચી જશે.

જો પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ બીજી ટેસ્ટ મેચ પણ જીતી લે અને જો ઇંગ્લેન્ડ ટીમ ઇન્ડિયાને હરાવી દે, એ ઉપરાંત દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલીયા હારી જાય તો આ ટેસ્ટ ચેમ્પિયનશીપ બહુ જ રોમાંચક બની જશે. કારણ કે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેનારી બે ટીમ જૂનમાં રમાનારી ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે.

પાકિસ્તાનની ટીમ ૩૪.૬ ટકા સાથે પાંચમા અને ૨૮ ટકા સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ છઠ્ઠા નંબર પર છે. શ્રીલંકા ૨૬.૭ ટકા સાથે સાતમા અને વિન્ડીઝ ૧૧.૧ ટકા સાથે આઠમા નંબર પર છે. તળીયાની ચાર ટીમનું પોઇન્ટ ટેબલમાં ઉપર આવવુ બહુ જ મુશ્કેલ માનવામાં આવી રહ્યુ છે.

(11:16 am IST)