Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

કાલે મુંબઈ- દિલ્હી વચ્ચે પ્રથમ પ્લેઓફ મેચઃ જે ટીમ જીતશે એ ફાઈનલમાં પહોંચશે

શારજહાં: આઇપીએલની ૧૩મી સિઝનમાં પ્લે-ઓફનો સમય બહુ નજીક આવી ગયો છે. આવતીકાલની પ્રથમ પ્લે-ઓફ (કવોલિફાયર-વન) ભારતીય સમય મુજબ સાંજે ૭.૩૦થી દુબઈમાં રમાશે અને એમાં પોઇન્ટ્સ-ટેબલની મોખરાની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ તથા નંબર-ટૂ દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે. જે ટીમ ગુરુવારે જીતશે એ સીધી ૧૦ નવેમ્બરની ફાઇનલમાં પહોંચી જશે.

શ્રેયસ ઐયરના સુકાનમાં દિલ્હી કેપિટલ્સે અહીં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરની ટીમને પોતાની અંતિમ લીગ મેચમાં ૬ વિકેટે હરાવી હતી. એ સાથે, દિલ્હીની ટીમ પોઇન્ટ્સ-ટેબલમાં બીજા સ્થાને રહી હતી અને બેન્ગલોરની ટીમ હારવા છતાં પ્લે-ઓફમાં પહોંચી ગઈ હતી. બેન્ગલોરે દેવદત્ત પડીક્કલના ૫૦ રનની મદદથી ૭ વિકેટે ૧૫૨ રન બનાવ્યા હતા.

દિલ્હી વતી સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર એન્રિચ નોર્ટજેએ ત્રણ તેમ જ કેગિસો રબાડાએ બે વિકેટ લીધી હતી. દિલ્હીની ટીમે અજિંકય રહાણેના ૬૦ રન અને શિખર ધવનના ૫૪ રનની મદદથી ૧૯ ઓવરમાં ૪ વિકેટે ૧૫૪ રન બનાવીને વિજય મેળવ્યો હતો. નોર્ટજેને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર અપાયો હતો.

(2:48 pm IST)