Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

રુટની સદીના જોરે ભારત સામે ટેસ્ટમાં ઈંગ્લેન્ડ ટીમનું પ્રભુત્વ

ભારત-ઈંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ પહેલો દિવસ : ઇંગ્લેન્ડના પ્રથમ ઈનિગ્સમાં ૩ વિકેટે ૨૬૩ રન, રુટની ૧૦૦મી ટેસ્ટમાં સદી :બુમરાહની બે, અશ્વિનની ૧ વિકેટ

ચેન્નઈ, તા. ૫ : શાનદાર ફોર્મમાં રમી રહેલા કેપ્ટન જો રૂટની સદી તથા ડોમિનિક સિબ્લીની અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડે શુક્રવારથી ચેન્નઈમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રથમ દિવસે ભારત સામે પોતાનો દબદબો બનાવ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ ઈંગ્લેન્ડે શાનદાર બેટિંગ કરી હતી. ભારતીય બોલર્સ જો રૂટને નિયંત્રણમાં રાખી શક્યા ન હતા. પ્રથમ દિવસના અંતે ઈંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં ૩ વિકેટ ૨૬૩ રન નોંધાવ્યા છે. દિવસના અંતે જો રૂટ ૧૨૮ રને રમતમાં છે. આમ ભારતે ઈંગ્લેન્ડને મોટો સ્કોર કરતું અટકાવવું હશે તો બીજા દિવસે જો રૂટને વહેલા આઉટ કરવો પડશે.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. રોય બર્ન્સ અને ડોમિનિક સિબ્લીની જોડી ઓપનિંગમાં આવી હતી. આ બંનેએ મક્કમતાપૂર્વક ભારતીય બોલર્સનો સામનો કર્યો હતો. જોકે, બાદમાં ઈંગ્લેન્ડે ઉપરા ઉપરી બે વિકેટો ગુમાવી દીધી હતી. ટીમનો સ્કોર ૬૩ રનનો થયો હતો ત્યારે બર્ન્સ અશ્વિનના બોલ પર વિકેટકીપર રિશભ પંતના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૬૦ બોલમાં બે ચોગ્ગાની મદદથી ૩૩ રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ડેનિયલ લોરેન્સ ખાતુ પણ ખોલાવી શક્યો ન હતો. જસપ્રિત બુમરાહે તેને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.

ઉપરા-ઉપરી બે વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન જો રૂટે ઓપનર સિબ્લી સાથે મળીને બાજી સંભાળી લીધી હતી. આ જોડીએ ત્યારબાદ ભારતીય બોલર્સને દબાણ બનાવવાની એક પણ તક આપી ન હતી. શ્રીલંકામાં શાનદાર પ્રદર્શન કરનારા રૂટે ભારતમાં પણ પોતાનું ફોર્મ જારી રાખ્યું છે. તેને ભારતીય બોલર્સ સામે રમવામાં જરાય મુશ્કેલી પડી ન હતી. તેણે સિબ્લી સાથે મળીને ૨૦૦ રનની અતૂટ ભાગીદારી નોંધાવી છે. રૂટે ૧૯૭ બોલમાં ૧૪ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૧૨૮ રનની ઈનિંગ્સ રમી છે અને હાલમાં તે રમતમાં છે. જ્યારે સિબ્લીએ ૨૮૬ બોલનો સામનો કર્યો હતો અને ૧૨ ચોગ્ગા સાથે ૮૭ રન નોંધાવ્યા હતા.

ભારત સામે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે સદી નોંધાવનારા ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે એક અનોખી ક્લબમાં સ્થાન મેળવી લીધું છે. આ રૂટની ૧૦૦મી ટેસ્ટ અને તે ૧૦૦મી ટેસ્ટમાં સદી નોંધાવનારા બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. આ સિદ્ધિ નોંધાવનારો તે ઈંગ્લેન્ડનો ત્રીજો અને વિશ્વનો નવમો બેટ્સમેન છે. ઈંગ્લેન્ડ માટે જો રૂટ પહેલા કોલિન કાઉડ્રી અને એલેક સ્ટુઅર્ટે આ સિદ્ધિ નોંધાવી હતી. રસપ્રદ વાત એ છે કે જો રૂટે પોતાની કારકિર્દીની શરૂઆત પણ ભારત સામે ભારતમાં જ કરી હતી. જ્યારે તે પોતાની ૧૦૦મી ટેસ્ટ પણ ભારત સામે ભારતમાં જ રમી રહ્યો છે.

રૂટે શાનદાર સદી ફટકારી પરંતુ ડોમિનિક સિબ્લી થોડો કમનસીબ રહ્યો. દિવસ દરમિયાન અત્યંત ધીરજપૂર્વક બેટિંગ કરનારો સિબ્લી દિવસની અંતિમ ઓવરમાં આઉટ થયો હતો. તેણે ૨૮૬ બોલનો સામનો કર્યો હતો અને ૧૨ ચોગ્ગા સાથે ૮૭ રન નોંધાવ્યા હતા. જસપ્રિત બુમરાહે દિવસની અંતિમ ઓવરના ત્રીજા બોલ પર તેને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો અને આ સાથે જ દિવસની રમત પણ પૂરી થઈ હતી. ભારત માટે પ્રથમ દિવસે જસપ્રિત બુમરાહે બે તથા રવિચંદ્રન અશ્વિને એક વિકેટ ઝડપી હતી.

સ્કોરબોર્ડ

ઇંગ્લેન્ડ પ્રથમ દાવ :

બર્ન્સ

કો. પંત બો. અશ્વિન

૩૩

સિબલે

એલબી બો. બુમરાહ

૮૭

લોરેન્સ

એલબી બો. બુમરાહ

૦૦

રુટ

અણનમ

૧૨૮

વધારાના

૧૫

કુલ     (૮૯.૩ ઓવરમાં ત્રણ વિકેટે)    ૨૬૩

પતન  : ૧-૬૩, ૨-૬૩, ૩-૨૦૦

બોલિંગ : ઇશાંત : ૧૫-૩-૨૭-૦, બુમરાહ : ૧૮.૩-૨-૪૦-૨, અશ્વિન : ૨૪-૨-૬૮-૧, નદીમ : ૨૦-૩-૬૯-૦, સુંદર : ૧૨-૦-૫૫-૦.

(7:36 pm IST)