Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મુંબઇમાં 10મી એપ્રિલે આઇપીએલની મેચ રમાય તે પહેલા વાનખેડે સ્‍ટેડિયમના 2 કર્મચારી અને પ્‍લંબરને કોરોના પોઝીટીવ

મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝનની 10 મેચોની યજમાની માટે લીલી ઝંડી મળ્યા બાદ પરિસરમાં કોરોના વાયરસ સંક્રમણના વધુ ત્રણ કેસ સામે આવ્યા છે જેમાંથી બે મેદાનકર્મી અને એક પ્લંબર છે.

આઈપીએલ સીઝનનો પ્રારંભ નવ એપ્રિલે ચેન્નઈમાં થશે જ્યારે મુંબઈમાં પ્રથમ મેચ 10 એપ્રિલે રમાશે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના એક સૂત્રએ કહ્યુ, સ્ટેડિયમમાં ટેસ્ટ દરમિયાન કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ મળ્યા છે, જેમાંથી બે મેદાનકર્મી છે.

આ પહેલા પાછલા શનિવારે 10 મેદાનકર્મી કોરોનાથી સંક્રમિત થવાના સમાચાર આવ્યા હતા પરંતુ તેમાંથી મોટા ભાગના રિકવર થઈ ગયા છે. મહારાષ્ટ્ર સરકારે શહેરમાં વીકેન્ડમાં લૉકડાઉનની જોગવાઈઓ અને રાત્રી કર્ફ્યૂ છતાં તેના આયોજનની મંજૂરી આપી હતી.

સરકારે રાત્રી કર્ફ્યૂ દરમિયાન પણ ટીમોને પોતાની સંબંધિત હોટલોથી રાત્રે આઠ કલાક બાદ યાત્રા કરવા અને સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી છે. મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોનાના 47,000 કેસ સામે આવ્યા હતા, તો મુંબઈમાં આ મહામારીની ઝપેટમાં આવનારની સંખ્યા 9000થી વધુ છે.

(5:44 pm IST)