Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

આઈપીએલની સિઝનમાં ૪ ખેલાડીઓ કહેર મચાવી શકે છે

૯ એપ્રિલથી આઈપીએલની ૧૪મી સિઝન રમાશે : આઈપીએલમાં પણ ઓછા પ્રસિદ્ધ અનકેપ્ડ પ્લેયર્સ ભાગ લઈ રહ્યા છે અને તેમના તરફથી સારા પ્રદર્શનની આશા

નવી દિલ્હી,તા.૬ :  આઈપીએલ યુવાઓ માટે પોતાનું ટેલન્ટ બતાવવાનું શાનદાર મંચ છે. ૨૦૦૮માં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટ તેની ટ્રોફી પર લખાયેલા ગોલ્ડન શબ્દો પર યથાવત્ છે. સંસ્કૃતમાં લખાયેલું છે યત્ર પ્રતિભા અવશરા પ્રપનોતિહી જેનો અર્થ છે જ્યાં પ્રતિભાઓને અવસર મળે છે. અને હકીકતમાં આઈપીએલમાં નવી ઉભરતી પ્રતિભાઓને અવસર મળે છે. જેનું ઉદાહરણ છે જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, ટી નટરાજન જેવા પ્લેયર્સ આઈપીએલમાંથી જ સ્ટાર બન્યા છે. ત્યારે આઈપીએલ ૨૦૨૧માં પણ ઓછા પ્રસિદ્ધ અનકેપ્ડ પ્લેયર્સ ભાગ લઈ રહ્યા છે અને તેમના તરફથી સારા પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે. ઘરેલુ ખેલાડીયો માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને ઓક્શનમાં ટીમોને પ્રભાવિત કરવાનો સારો ચાન્સ મળ્યો હતો. તેવામાં ગુજરાતના લેફ્ટ હેન્ડેડ ફાસ્ટ બોલર ચેતન સાકરિયા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સારી બોલિંગ કરી હતી.

જેના પરિણામે રાજસ્થાન રોયલ્સ ફ્રેનચાઈઝીએ તેને ૧.૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ચેતને ૫થી ઓછી ઈકોનોમીથી ૧૨ વિકેટ લીધી હતી. જો રાજસ્થાનની ટીમ ચેતનને ચાન્સ આપશે તો તે સારુ પ્રદર્શન કરી શકે છે. કેરલના મોહમ્મદ અઝરૂદ્દીન ત્યારે લાઈમસાઈટમાં આવ્યો જ્યારે તેણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ૩૭ બોલમાં સેન્ચુરી મારી હતી. અઝરૂદ્દીને ૫૨ બોલમાં ૧૩૭ રનની ઈનિંગ રમી હતી. તેની આ બેટિંગથી ઘણા લોકો પ્રભાવિત થયા હતા. જેના પગલે તેને રોયલ ચેલેન્જર્સની ટીમે ખરીદ્યો છે.

ત્યારે, અઝરૂદ્દીનની તોફાની બેટિંગ આ વખતે આઈપીએલમાં જોવા મળી શકે છે. દક્ષિણ આફ્રિકાના યુવા ડાબેરી પેસ બોલર વિશે આઈપીએલની હરાજી પહેલાં ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે. આઈપીએલ ૨૦૨૧ની હરાજીમાં પાંચ વખતના આઈપીએલ વિજેતા મુંબઇ ઇન્ડિયન્સે આ બોલરને ખરીદ્યો ત્યારે દરેકને આશ્ચર્ય થયું હતું. ૨૦ લાખના બેઝ પ્રાઈઝ પર જાનસેનને ખરીદ્યા બાદ મુંબઇના સપોર્ટ સ્ટાફમાં રહેલા ઝહીર ખાન પણ ખૂબ ખુશ હતા. જાનસેન ૨૦૧૭-૧૮ના ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટીમનો નેટ બોલર હતો અને તેણે તેની બોલિંગથી લોકોને પ્રભાવિત કર્યા હતા. બુમરાહ અને બોલ્ટની જોડી સાથે જાનસેનની બોલિંગ પર પણ ઘણી આશાઓ છે. આ હરાજીમાં તામિલનાડુના ઓલરાઉન્ડર શાહરૂખ ખાનને આખરે તેની મહેનતનું ફળ મળ્યું છે. આ સિઝનની હરાજીમાં શાહરૂખને પંજાબ કિંગ્સની ટીમે ૫.૨૫ કરોડ રૂપિયાની જંગી રકમ સાથે ખરીદ્યો હતો.

(9:51 pm IST)