Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

આ પરિસ્થિતિમાં બ્રેડમેનની બેટિંગનો ગ્રાફ પણ નીચે આવી જાય

શાસ્ત્રીએ સમજાવ્યું બાયો-બબલનું 'શાસ્ત્ર' : બાયો-બબલમાં સ્પ્લિટ કેપ્ટન્સી ખરાબ વસ્તુ નથીઃરોહિત ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે તૈયાર

દુબઈ, તા.૯: ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતની સફરનો અંત આવ્યો અને આ સાથે જ રવિ શાસ્ત્રીનો ટીમ ઈન્ડિયા સાથે મુખ્ય કોચ તરીકેનો કરાર સમાપ્ત થઈ ગયો. ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમે તેની છેલ્લી ગ્રૂપ મેચમાં નામિબિયાને હરાવ્યું હતું પરંતુ તે ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થતાં પોતાને બચાવી શકી નહોતી. જ્યારે તેનો પરાજય થયો ત્યારે પ્રશ્નો ઉભા થયા અને કારણો બહાર આવ્યા છે.

રવિ શાસ્ત્રીએ બાયો-બબલને તેમના કોચિંગની છેલ્લી ટુર્નામેન્ટમાં ભારતની હારનું કારણ જણાવ્યું હતું. તેણે જતાં જતાં તેનું આખું શાસ્ત્ર સમજાવ્યું. શાસ્ત્રીએ કહ્યું કે, ટીમ ઈન્ડિયા લાંબા સમયથી ક્રિકેટ રમી રહી છે. ક્રિકેટની મૌસમ લાંબા સમય સુધી ચાલવી મતલબ તેમણે લાંબા સમય સુધી બાયો-બબલમાં રહેવું, જો આજનો બેટ્સમેન ડોન બ્રેડમેન જેવા મહાન બેટ્સમેન હોત તો તેની એવરેજ ઘટી ગઈ હોત. શાસ્ત્રીએ વિશ્વ ક્રિકેટને બાયો બબલની અસર વિશે ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો છે.

વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દ્વારા રવિ શાસ્ત્રીએ કહ્યું, ટીમ ઈન્ડિયા પાસે ઘણા એવા ખેલાડીઓ છે જે તમામ ફોર્મેટમાં રમે છે. ભારે મુશ્કેલી સાથે, તેણે છેલ્લા બે વર્ષમાં ફકત ૨૫ દિવસ તેના ઘરે વિતાવ્યા હશે. આટલા લાંબા સમય સુધી બાયો-બબલમાં રહ્યા પછી હવે તમે જે પણ છો. તમે ભલે ડોન બ્રેડમેન હોય, પણ બેટિંગ એવરેજનો ગ્રાફ ચોક્કસપણે નીચે આવશે. એટલા માટે કે બ્રેડમેન પણ એક માણસ છે. તેમણે વધુમાં કહ્યું કે તમે જીવનમાં શું મેળવ્યું છે તે મહત્વનું નથી, તે મહત્વનું છે કે તમે કયા સંઘર્ષ અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને વર્તમાન ટીમ ઈન્ડિયાએ પણ આવું જ કર્યું છે.

શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, જ્યારે ક્રિકેટમાં બાયો-બબલનો યુગ ચાલી રહ્યો છે ત્યારે તેમાં વિભાજિત કેપ્ટનશીપ હોવી ખરાબ વાત નથી. તેનાથી ખેલાડીઓને પરિવાર સાથે સમય વિતાવવાનો સમય મળશે. તેણે રોહિત શર્મા વિશે કહ્યું કે તે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે તૈયાર છે.

રવિ શાસ્ત્રીના કોચિંગ હેઠળ ICC ટૂર્નામેન્ટ છોડીને ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતની ટીમે દેશ-વિદેશમાં ઝંડા લહેરાવ્યા છે. હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી ૧૩૭ આંતરરાષ્ટ્રીય મેચોમાંથી માત્ર ૩૭ જ હારી છે. તો ત્યાં ભારતે દેશમાં T20 સિરીઝ જીતી લીધી. ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે હરાવનારી પ્રથમ એશિયન ટીમ બની.

(3:01 pm IST)