Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોરના ફાસ્‍ટ બોલર હર્ષલ પટેલના બહેનનું મૃત્‍યુઃ બાયો-બબલ છોડવુ પડયુઃ ચેન્‍નાઇ સુપર કિંગ્‍સ સામેની મેચ પહેલા ટીમ સાથે જોડાઇ જશે

મુંબઇ ઇન્‍ડિયન્‍સ સામેની આઇપીએલ મેચ વખતે દુઃખદ સમાચાર મળ્‍યા

મુંબઈ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર હર્ષલ પટેલના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. હર્ષલના પરિવારના એક સભ્યનું અવસાન થયું છે. આ કારણે તે ઈન્ડિયન પ્રીમિયર લીગનો બાયો-બબલ છોડીને ઘરે પહોંચ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ બાદ તેણે તેની બહેનના મૃત્યુના સમાચાર મળ્યા. આ કારણે, તેણે બાયો-બબલ છોડી દીધું, અને અમદાવાદ પહોંચ્યો હતો.

RCBનો ગુજરાતી ફાસ્ટ બોલર હર્ષલ પટેલ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. હર્ષલ પટેલની બહેનનું અવસાન થતાં તે મેચ બાદ પોતાના ઘરે જવા રવાના થયો હતો. આ દર્દનાક ઘટના ત્યારે બની જ્યારે હર્ષલ પટેલ મુંબઈ ઈન્ડિયન્સ સામે આઈપીએલ મેચ રમી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે હર્ષલ પટેલની બહેનનું નામ અર્ચિતા પટેલ છે. જાણવા મળી રહ્યું છે કે બહેનના અંતિમ સંસ્કાર પુરા થયા બાદ તે ફરીથી ટીમમાં સામેલ થશે. જાણવા મળી રહ્યું છે કે તેની બહેન બિમાર હતી.

હર્ષલ છેલ્લી બે સિઝનથી આરસીબી માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે, તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટીમની સાત વિકેટની જીતમાં બે વિકેટ ઝડપી હતી. આઈપીએલના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "દુર્ભાગ્યવશ, હર્ષલે તેની બહેનના નિધનને કારણે બાયો-બબલ છોડવું પડ્યું. તેણે પૂણેથી મુંબઈ જતી ટીમ બસ લીધી ન હતી. તેણે જણાવ્યું કે, "હું 12 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આગામી મેચ પહેલા બબલ સાથે જોડાશે"

નોંધનીય છે કે હર્ષલનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે IPLની 67 મેચમાં 84 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યું છે. હર્ષલે 8 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. આ દરમિયાન તેણે 11 વિકેટ પોતાના નામે કરી છે.

હર્ષલની ટીમના પ્રદર્શન પર નજર કરીએ તો તેનું પ્રદર્શન સારું રહ્યું છે. આઈપીએલ 2022માં બેંગ્લોરે અત્યાર સુધી ચાર મેચ રમી છે અને ત્રણ મેચ જીતી છે. RCBએ છેલ્લી મેચમાં મુંબઈને 7 વિકેટે હરાવ્યું હતું. જ્યારે અગાઉ રાજસ્થાન રોયલ્સનો 4 વિકેટે પરાજય થયો હતો. ટીમ તેની પ્રથમ મેચ 5 વિકેટે હારી ગઈ હતી.

હર્ષલ પટેલ સાણંદનો વતની

હર્ષલ પટેલના પરિવાર વિશે વાત કરીએ તો અર્ચિતા પટેલ ત્રણ ભાઈ બહેનમાં સૌથી નાની હતી. જેથી સ્વાભાવિક છે કે હર્ષલ પટેલ તેની નાની બહેનથી ખૂબ નજીક હતો. તેની બહેનના મૃત્યુના સમાચાર સાંભળતા જ હર્ષલ ઘર તરફ રવાના થયો હતો. 31 વર્ષીય હર્ષલ પટેલ ગુજરાતના સાણંદનો વતની છે.

(4:59 pm IST)