Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

પાકિસ્તાનની વધુ એક શરમજનક હારઃ કલીન સ્વીપઃ ઈંગ્લેન્ડ ૩-૦થી સિરીઝ જીતી

પાકિસ્તાન ૩૩૧/૯, ઈંગ્લેન્ડ ૩૩૨ /૭: બાબર આઝમની સદી એળે ગઈ

નવીદિલ્હીઃ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની વન ડે શ્રેણીમાં પાકિસ્તાનની ટીમની શરમજનક હાર થઇ હતી. ઇંગ્લેન્ડની નવી ટીમે પાકિસ્તાનને કલીન સ્વીપ કરતા ત્રીજી વન ડે મેચ જીતી ૩-૦ થી ઇંગ્લેન્ડ એ સિરીઝ જીતી લીધી હતી. શ્રેણીની અંતિમ મેચમાં પાકિસ્તાની ટીમે પ્રથમ બેટીંગ કરતાં ઇંગ્લેન્ડ સામે ૩૩૨ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેને ઇંગ્લેંન્ડની ટીમે ૭ વિકેટ ગુમાવીને હાંસલ કરી લેતા, અંતિમ મેચમાં જીતની આશાઓ પણ પાકિસ્તાનને ધૂળમાં મળી ગઇ હતી.

અંતિમ મેચમાં આબરૂ બચાવવા માટે પાકિસ્તાનની ટીમે મરણીયા પ્રયાસમાં હતુ. પાક. કેપ્ટન બાબર આઝમે ૧૫૮ રન ફટકાર્યા હતા. પાકિસ્તાનની ટીમે ૩૦૦ પ્લસ સ્કોર ખડકી મજબૂત લક્ષ્યાંક આપ્યુ હતુ. પરંતુ પાકિસ્તાનની આશાઓ લાંબી ટકી નહોતી જેમ્સ વિન્સની સદીની મદદથી પાકિસ્તાનના મજબૂત સ્કોરને ૪૮મી ઓવરમાં જ પાર કરી લીધુ હતુ.

ઇંગ્લેન્ડ ટીમમાં સિરીઝ શરૂ થવા પહેલા પહેલા જ કોરોના સંક્રમણ ફેલાયુ હતુ. જેને લઇને તાત્કાલીક ધોરણે નવી ટીમ ઉતારી હતી. આમ નવી ટીમ સાથે ઇંગ્લેંન્ડે પાકિસ્તાનને શરમજનક હારનો સામનો કરાવ્યો હતો. બેન સ્ટોકસની કેપ્ટનશીપ ધરાવતી ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જેમ્સના શતક ઉપરાંત લુઇસ ગ્રેગરીએ ૭૭ રન કર્યા હતા. ઓપનર ફિલીપ સોલ્ટ એ ૨૨ બોલમાં ૩૭ રન કર્યા હતા. જ્યારે બેન સ્ટોકસ એ ૨૮ બોલમાં ૩૨ રન કર્યા હતા. ઇંગ્લેંન્ડની ટીમે કોરોના સંક્રમણ ફેલાતા ટીમ માટે થયેલી મુશ્કેલી પરીસ્થિતી વચ્ચે શાનદાર શ્રેણી વિજય મેળવ્યો હતો.

(3:24 pm IST)