Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

રવીન્‍દ્ર જાડેજાનું પાંચ મહિને કમબેકઃ રણીજીમાં સૌરાષ્‍ટ્રની ટીમ બનશે સ્‍ટ્રોન્‍ગ

જાડેજા હવે પહેલાની જેમ દોડી શકે છે. ફિટનેશ મેળવવા તેણે પોતાના બંગલામાં તલવારબાજીની થોડી પ્રેકિટસ પણ કરી હતી

ઓલરાઉન્‍ડર રવીન્‍દ્ર જાડેજા જમણા ઘૂંટણની સર્જરી કરાવ્‍યા બાદ હવે આ મહિને ક્રિકેટના મેદાન પર કમબેક કરી રહયો છે. ભારતીય ટીમમાં પુનરાગમન કરતા પહેલા તે રણજી ટ્રોફીમાં રમશે. ૨૪ જાન્‍યુઆરીએ ચેન્નાઇમાં તામિલનાડુ સામે રમાનારી ફાઇનલ રાઉન્‍ડની પ્રારંભિક મેચથી તે સૌરાષ્‍ટ્રની ટીમને મજબુત બનાવશે એલીટ કેટેગરીના ગ્રુપ બીમાં જયદેવ ઉનડકટના સુકાનમાં સૌરાષ્‍ટ્ર ૨૬ પોઇન્‍ટ સાથે મોખરે છે. અને મુંબઇ એના પછી બીજા સ્‍થાને છે. તામિલનાડુ છેક છઠ્ઠા સ્‍થાને છે.

૩૪ વર્ષનો જાડેજા છેલ્‍લે ૨૦૨૨ની ૩૧ ઓગષ્‍ટે દુબઇમાં હોન્‍ગકોન્‍ગ સામે એશિયા કપ ટી૨૦ સ્‍પર્ધાની મેચમાં રમ્‍યો હતો. હાલમાં તે બેન્‍ગલોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશન સેન્‍ટરમાં છે. સિલેકટરોએ ૧૩મીએ ઓસ્‍ટ્રેલીયા સામેની આગામી ટેસ્‍ટ સિરીઝની પહેલી બે મેચ માટે ૧૭ ખેલાડીઓની જે ટીમ જાહેર કરી એમાં જાડેજાનો સમાવેશ કરાયો છે. તેને નાગપુરની ૯ ફેબ્રુઆરીની પ્રથમ મેચ માટેની ટેસ્‍ટ-ટીમમાં સામેલ કરાશે.

બેટિંગ-બોલિંગ ફરી શરૂ કરી

હમણા તો જાડેજાએ બેટિંગ અને બોલિંગની પ્રેકિટસ શરૂ કરી છે, પરંતુ ફિટનેશ ટેસ્‍ટ પાસ કર્યા પછી જ તે સ્‍પર્ધાત્‍મક મેચ રમી શકશે.

પંતની ગેરહાજરીમાં ટીમ સંતુલિત

જાડેજા ટીમ ઇન્‍ડિયામાં પાછો આવી જશે તો રિષભ પંતની ગેરહાજરીમાં જાડેજાને પાંચમા કે છઠ્ઠા નંબરે મોકલવાથી બેટિંગ-ઓર્ડરમાં સંતુલન આવી શકશે. તેની મેચ-વિનિંગ ક્ષમતાને અવગણતા પણ નથી માગતા

૨૦૧૭માં ઓસ્‍ટ્રેલીયા સામે જિતાડેલા

૨૦૧૭માં ઘરઆંગણે ઓસ્‍ટ્રેલીયા સામેની ગઇ સિરીઝમાં તેણે એ ક્ષમતા પુરવાર કરી હતી. ત્‍યારે ભારતે સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. ધરમશાલાની છેલ્લી ટેસ્‍ટમાં જાડેજાએ આક્રમક ૬૩ રન બનાવીને ભારતને લીડ અપાવી હતી. જાડેજાને કુલ પચીસ વિકેટ અને ૧૨૭ રન બદલ મેન ઓફ ધ સિરીઝનો પુરસ્‍કાર અપાયો હતો.

(5:48 pm IST)