Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

પંકજ અડવાણીએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી લઈને એશિયન ચેમ્પિયન તરીકેનો તાજ જાળવી રાખ્યો

ફાઈનલમાં ઈરાનના આમિર સરખોશને ૬-૩થી હરાવ્યો:અડવાણીએ આ સાથે એશિયન બિલિયર્ડ્સ-સ્નૂકરમાં ૧૧મી વખત ટાઈટલ મેળવ્યું

દોહા :ભારતના લેજન્ડરી ક્યુ સ્પોર્ટ્સ સ્ટાર પંકજ અડવાણીએ દોહામાં યોજાયેલી એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતીને એશિયન ચેમ્પિયન તરીકેનો તાજ જાળવી રાખ્યો હતો. તેણે ફાઈનલમાં ઈરાનના આમિર સરખોશને ૬-૩થી હરાવ્યો હતો. અડવાણીએ આ સાથે એશિયન બિલિયર્ડ્સ-સ્નૂકરમાં ૧૧મી વખત ટાઈટલ મેળવ્યું હતુ.

કોરોનાના કારણે ક્યુ સ્પોર્ટ્સ પણ અન્ય રમતોની જેમ સ્થગિત થઈ ગયું હતુ. બે વર્ષમાં આ પહેલી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ભારતના ખેલાડીએ દબદબો જાળવી રાખતાં જીત હાંસલ કરી હતી. અડવાણી છેલ્લે ૨૦૧૯માં રમાયેલી એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી હતી. જે પછી ૨૦૨૦માં આ ચેમ્પિયનશિપ કોરોનાના કારણે રદ કરી દેવામાં આવી હતી.

ચેમ્પિયન બન્યા બાદ તેણે કહ્યું કે, ટાઈટલ જીતવાનું મને ગૌરવ છે. કોરોનાના બ્રેક છતાં પણ મેં મારી લય ગુમાવી નથી, તે ખુબજ આવકારદાયક છે. ખરેખર તો કોરોનાએ આપેલા વિરામને કારણે મારી સફળતાની ઉત્સુકતા અને જીતની ભૂખ વધી ગઈ છે. અડવાણી હવે અહીં શુક્રવારથી શરૃ થઈ રહેલી આઇબીએસએફની સિક્સ રેડ સ્નૂકર વર્લ્ડ કપમાં ભાગ લેશે.

(11:14 pm IST)