Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયા લેશે ફિટનેસ કેમ્પમાં ભાગ:દ્રવિડનો ખાસ પ્લાન

મુંબઈ:ભારતીય ટીમ અત્યારે ઝિમ્બાબ્વેના પ્રવાસ પર છે, પરંતુ આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના ઘણા દિગ્ગજ ખેલાડીઓ નથી. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. એશિયા કપ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ માટે જે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે તેઓનો બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં 20 ઓગસ્ટથી ફિટનેસ કેમ્પ યોજાશે. બીસીસીઆઈએ એનસીએમાં ફરજિયાત ત્રણ દિવસીય શિબિરનું આયોજન કર્યું છે. આ પછી 23 ઓગસ્ટે ટીમ ઈન્ડિયા દુબઈ જવા રવાના થશે.

ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસે પર છે અને આ પ્રવાસ બાદ મોટાભાગના ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. એશિયા કપ માટે પસંદ કરાયેલા કેટલાક ખેલાડીઓ ઝિમ્બાબ્વેના પ્રવાસે છે, બાકીના આ કેમ્પમાં ભાગ લેશે અને પછી દુબઈ જવા રવાના થશે.

એશિયા કપ માટે પસંદ કરાયેલા ખેલાડીઓ એનસીએમાં 20 ઓગસ્ટે રિપોર્ટ કરશે. ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ એક નાનો ફિટનેસ કેમ્પ યોજાશે. રાહુલ દ્રવિડે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગયા નથી. તેમની જગ્યાએ વીવીએસ લક્ષ્મણને આ પ્રવાસ પર ટીમના કોચ તરીકે મોકલવામાં આવ્યા છે. દ્રવિડ ભારતમાં છે અને કેમ્પમાં ખેલાડીઓનું ધ્યાન રાખશે. આ ટીમ 23 ઓગસ્ટે દુબઈ જવા રવાના થશે. કોઈપણ મોટી ટુર્નામેન્ટમાં ભાગ લેતા પહેલા ટીમને ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડે છે.

દીપક હુડ્ડા, આવેશ ખાન અને કેએલ રાહુલ હાલ ઝિમ્બાબ્વેમાં છે. આ તમામ ઝિમ્બાબ્વેથી સિરીઝ પૂરી કરીને સીધા દુબઈ જશે. તેમને ટ્રેનિંગ કેમ્પ અને ફિટનેસ કેમ્પમાંથી છૂટ આપવામાં આવી છે. પરંતુ તે તમામ 23 ઓગસ્ટે દુબઈમાં ટીમ સાથે જોડાશે. દીપક ચહરને પણ એશિયા કપ માટે સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યો છે. તેઓ ઝિમ્બાબ્વેના પ્રવાસે પણ છે અને સીધા દુબઈ પહોંચશે.

ભારતે એશિયા કપમાં તેની પહેલી મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમવાની છે. બંને ટીમોની આ મેચ 28 ઓગસ્ટે રમાશે. આ પછી ભારતે તેની આગામી મેચ 31 ઓગસ્ટે રમવાની છે. આ મેચ ક્વોલિફાયરમાંથી આવતી ટીમ સામે થશે. ભારત વર્તમાન વિજેતા તરીકે ઉતરી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં તેવી આશા રાખવામાં આવી છે કે તે પોતાનું ટાઇટલ જાળવી રાખે.

(4:08 pm IST)