Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

ઓલરાઉન્ડર એબી ડી ડીવિલિયર્સની ઓલ ફોર્મેટમાંથી નિવૃત્તી

દ. આફ્રિકાના મિસ્ટર ૩૬૦ની ૧૭ વર્ષની કારકિર્દીનો અંત : નિવૃત્તિ પર એક ખાસ વિડિયો જાહેર કર્યો જેમાં આરસીબી મેનેજમેન્ટ અને તેમના મિત્ર કોહલીનો આભાર માન્યો

  કેપટાઉન, તા.૧૯ :  દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર અને મિસ્ટર ૩૬૦ એટલે કે, એબી ડી વિલિયર્સે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ટ્વિટર પર તેમણે તેમની ૧૭ વર્ષની લાંબી કારકિર્દીના અંતની જાહેરાત કરી છે. ડી વિલિયર્સે ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી પરંતુ તે આઈપીએલ સહિત વિશ્વભરની ટી૨૦ લીગમાં રમી રહ્યા હતા. ડી વિલિયર્સે તેમની નિવૃત્તિ પર આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)ના ચાહકો માટે એક ખાસ વિડિયો જાહેર કર્યો છે. તેમણે ખાસ કરીને આરસીબી મેનેજમેન્ટ અને તેમના મિત્ર વિરાટ કોહલીનો આભાર માન્યો હતો. ડી વિલિયર્સે ભાવુક અંદાજમાં કહ્યું કે આરસીબી સાથે ક્યારે ૧૧ વર્ષ વીતી ગયા તે ખબર નથી.

ડી વિલિયર્સે કહ્યું, આ એક શાનદાર સફર રહી પરંતુ મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મારા મોટા ભાઈઓ સાથે બેકયાર્ડમાં મેચ રમવાથી શરૂ કરીને મેં પૂરા જોશ અને ઉત્સાહથી રમત રમી છે. હવે, ૩૭ વર્ષની ઉંમરે તે આગ ઝડપથી બળતી નથી. ભૂતપૂર્વ ક્રિકેટરે આગળ કહ્યું, 'હું જાણું છું કે મારા પરિવાર - મારા માતા-પિતા, મારા ભાઈઓ, મારી પત્ની ડેનિયલ અને મારા બાળકોના બલિદાન વિના કંઈપણ શક્ય ન હોત. હું મારા જીવનના આગલા તબક્કાની રાહ જોઈ રહ્યો છું જ્યાં હું તેમને પ્રાથમિકતા આપી શકીશ.

તમે આરસીબીને બધું જ આપી દીધું છે અને હું તે મારા મનમાં જાણું છું. તમે આ ફ્રેન્ચાઇઝી અને મારા માટે શું છો તે શબ્દોમાં કહી શકાય તેમ નથી. ચિન્નાસ્વામી સ્ટેડિયમ તમારા માટે ચીયર કરવાનું અને હું તમારી સાથે રમવાનું મિસ કરીશ. આઈ લવ યુ... અને હું હંમેશા તમારો નંબર-૧ ફેન રહીશ.

આરસીબીના ટ્વિટર હેન્ડલ પરથી જાહેર કરવામાં આવેલા વિડીયોમાં ડી વિલિયર્સે કહ્યું, 'મેં  આરસીબી સાથે લાંબો અને સારો સમય વિતાવ્યો છે. ૧૧ વર્ષ આમ જ વીતી ગયા અને ખેલાડીઓને છોડવાનું સારું નથી લાગતું. આ નિર્ણયમાં ઘણો સમય લાગ્યો પરંતુ વિચાર-વિમર્શ બાદ મેં નિવૃત્તિ લેવાનો અને મારા પરિવાર સાથે સમય પસાર કરવાનો નિર્ણય લીધો છે. હું આરસીબી મેનેજમેન્ટ, મારા મિત્ર વિરાટ કોહલી, સાથી ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ, ચાહકો અને સમગ્ર આરસીબી પરિવારનો આભાર માનું છું.

દક્ષિણ આફ્રિકાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક એવા ડી વિલિયર્સના સમગ્ર વિશ્વમાં ચાહકો છે. ડી વિલિયર્સના ભારતમાં મોટી સંખ્યામાં ચાહકો છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી આઈપીએલની રાહ જોઈ હતી. આઈપીએલ ઉપરાંત, ડી વિલિયર્સ બાર્બાડોસ, સ્પાર્ટન્સ, રંગપુર રાઈડર્સ, મિડલસેક્સ, બ્રિસ્બન હીટ અને લાહોર કલંદર માટે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમી ચૂક્યા છે.

ડી વિલિયર્સે ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ૧૧૪ ટેસ્ટ, ૨૨૮ વન-ડે અને ૭૮ ટી૨૦ ઈન્ટરનેશનલ રમનાર ડી વિલિયર્સની ગણના સર્વકાલીન શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે ૪૭ સદી ફટકારી છે.

 

 

આગામી રોગચાળો ઉંદરોથી ફેલાવાની નિષ્ણાતોની ચીમકી

પ્રિન્સટન યુનિવર્સિટીના નિષ્ણાતોના અભ્યાસનું તારણ : સાર્સ જેવા કોરોના વાયરસ પ્રાચીન ઉંદરોમાં ઘણી વખત સંક્રમિત થયા છે, જેથી તેમનામાં રોગપ્રતિકારક શક્તિ વધી છે

વોશિંગ્ટન, તા.૧૯ : કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયા માટે વધુ એક ખરાબ સમાચાર છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઉંદર, ખિસકોલી જેવા પ્રાણીઓ કોરોના જેવા વાયરસના વાહક હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ રીતે આગામી રોગચાળો ઉંદરોથી આવી શકે છે. પ્રિન્સટન યુનિવર્સિટીના નિષ્ણાતોએ જણાવ્યું કે ઘણા જીવોના જીનોમિક અભ્યાસ કરવામાં ાવ્યા છે. આમાં પુરાવા મળ્યા છે કે ઉંદર જેવી કેટલીક પ્રજાતિઓ સાર્સ જેવા કોરોના વાયરસનો ભોગ બની ચૂકી છે. આનાથી તે જીવોમાં થોડી રોગપ્રતિકારક શક્તિ ઊભી થઈ છે. કોરોના વાયરસનો ચેપ સાર્સ-કોવ-૨ વાયરસથી થાય છે જે પ્રાણીઓથી જન્મે છે. મતલબ કે કોરોના વાયરસ પ્રાણીઓમાંથી માણસોમાં આવ્યો છે. આ પહેલા એક અન્ય સંશોધનમાં જાણવા મળ્યું હતું કે ચાઈનીઝ ચામાચીડિયામાં ઘણા પ્રકારના સાર્સ જેવા વાયરસ રહી શકે છે. તેના લક્ષણો ચામાચીડિયાની અંદર પણ દેખાતા નથી. તેમણે કહ્યું કે આ પ્રકારના વાયરસની અંદર કેટલીક પ્રતિરક્ષા છે જે ભવિષ્યમાં કોઈપણ રોગચાળાને રોકવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ સંશોધન પ્રિન્સટન યુનિવર્સિટીના મોલેક્યુલર બાયોલોજીસ્ટ સીન કિંગ અને કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ મોના સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે અમારું સંશોધન દર્શાવે છે કે સાર્સ જેવા કોરોના વાયરસ પ્રાચીન ઉંદરોમાં ઘણી વખત સંક્રમિત થયા છે. આ કારણે તેમનામાં રોગપ્રતિકારક શક્તિ વધી છે. સંશોધકોએ વિવિધ જીવોના એસીઈ૨ રીસેપ્ટર પર પણ સંશોધન કર્યું, જેનો ઉપયોગ સાર્સ વાયરસ કોષોમાં પ્રવેશવા માટે કરે છે.

નોંધનીય છે કે, પ્રાણીઓ દ્વારા જન્મેલા રોગો સરળતાથી એક જાતિમાંથી બીજી જાતિમાં ફેલાય છે. તેના બેક્ટેરિયા સજીવોની અન્ય પ્રજાતિઓમાં પ્રવેશ કરીને ટકી રહે છે. જો કે, તેઓ પ્રથમ કરતાં બીજા જીવતંત્રમાં જવાથી ઓછા જોખમી બને છે. આનું એક ઉત્તમ ઉદાહરણ સામાન્ય શરદી છે, જે વિવિધ સજીવોમાંથી માણસોમાં પસાર થાય છે અને ત્યાં પણ ચાલુ રહે છે. તેના સ્ટ્રેન એચઁ૫એન૧, એચ૭એન૯ પક્ષીઓ અને ચેપગ્રસ્ત મનુષ્યોમાંથી ઉદ્દભવે છે.

(7:31 pm IST)