Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

ભારત સામે ન્યુઝીલેન્ડે 6 વિકેટે 154 રનનો રાખ્યો પડકાર : ડેબ્યૂ મેચમાં હર્ષલ પટેલે 2 વિકેટ ઝડપી

ઓપનર ગુપ્ટીલે 15 બોલમાં 31 રનમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા:મિશેલે 28 બોલમાં 31 રન કર્યા

રાંચીના JSCA ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 મેચ રમાઇ રહી છે. ત્રણ મેચોની સિરીઝની બીજી મેચ માં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. માર્ટિન ગુપ્ટીલ અને ડેરિલ મિશેલે કિવી ટીમની સારી શરુઆત કરાવી હતી. ટીમ ઇન્ડિયામાં હર્ષલ પટેલને ડેબ્યૂની તક મળી હતી અને તેણે ડેબ્યૂ મેચમાં ઓપનર મિશેલની વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડે ભારત સામે 6 વિકેટે 153 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

માર્ટિન ગુપ્ટીલે શરુઆતમાં જ તોફાની રમત શરુ કરી હતી. તેણે પાવર પ્લેમાં જ ટીમ માટે મોટા પડકારનો પાયો નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દિપક ચાહરે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. ગુપ્ટીલે તેની આ ઇનીંગ રમવા સાથે જ વિરાટ કોહલીની રેકોર્ડને તોડીને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બન્યો હતો.

 

ટોસ હારીને મેદાને ઉતરેલી કિવી ટીમે શરુઆત થી જ આક્રમક રમતનો આરંભ કર્યો હતો. કિવી ટીમે મોટો પડકાર ખડકીને તેને બચાવવાની યોજનાને મજબૂત કરવા રુપ રમત દાખવી હતી. ઇનીંગની શરુઆત સારી રહી હતી બંને ઓપનરો ગુપ્ટીલ અને મિશેલે 48 રનની પાર્ટનરશિપ કરી હતી. જેમાં ગુપ્ટીલે 15 બોલમાં 31 રનની આક્રમક રમત રમી હતી. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. મિશેલે 28 બોલમાં 31 રન નોંધાવ્યા હતા.

માર્ક ચેપમેનને અક્ષર પટેલે પોતાનો શિકાર બનાવ્યો હતો. ચેપમેને 17 બોલમાં 21 રન કર્યા હતા. ટીમ સિફર્ટે 15 બોલમાં 13 રન કર્યા હતા. ગ્લેન ફિલીપ્સે 21 બોલમાં 34 રન ફટકાર્યા હતા. તોફાની બેટીંગ કરતા તેણે 3 છગ્ગા અને 1 ચોગ્ગો નોંધાવ્યો હતો. જોકે તે હર્ષલનો શિકાર બન્યો હતો. જીમી નિશમે 12 બોલ રમીને માત્ર 3 રન બનાવ્ચા હતા. મિશેલ સેન્ટનર (8) અને એડમ મિલ્ને (5) અણનમ રહ્યા હતા

હર્ષલ પટેલે ડેબ્યૂ મેચમાં 2 વિકેટ ઝડપી શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે ઓપનર મિશેલ અને તોફાની બે્ટસમેન ફિલીપ્સની વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને 4 ઓવરમાં 19 રન આપીને એક વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 26 રન આપીને એક વિકેટ મેળવી હતી. ભૂવનેશ્વર કુમારે 4 ઓવરમાં 39 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. દિપક ચાહરે પણ એક વિકેટ ઝડપી હતી

(10:43 pm IST)