Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

સ્ટાર સ્પિનર ભજ્જીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે છેડો ફાડ્યો

આઈપીએલની આગામી સિઝન પૂર્વે ચેન્નાઈને આંચકો : હરભજન સિંહ બે વર્ષ સુધી ચેન્નાઈ સુપરકિંગ્સનો ભાગ રહ્યો હતો, કોન્ટ્રાક્ટ સમાપ્ત થવા સાથે ટીમ છોડવા નિર્ણય

નવી દિલ્હી, તા. ૧૮ : ગત આઈપીએલની સિઝન ચેન્નાઈ સુપરકિંગ્સ માટે ખુબ જ ખરાબ રહી હતી. અને હવે સીએસકેને વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. સીએસકેના સ્ટાર સ્પિનર હરભજન સિંહે એલાન કર્યું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે તેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે. હરભજને સાફ કરી દીધું છે કે તે આઈપીએલ ૨૦૨૧માં ચેન્નાઈ સુપરકિંગ્સનો ભાગ નહીં હોય.

૪૦ વર્ષીય હરભજને બુધવારે ટ્વીટ કરીને આ જાહેરાત કરતાં ફેન્સ અને ફ્રેન્ચાઈઝીનો આભાર માન્યો હતો. હરભજન ૨ વર્ષ સુધી ચેન્નાઈ સુપરકિંગ્સનો ભાગ રહ્યો હતો. હરભજને ટ્વીટ કરીને લખ્યું કે, ચેન્નાઈની સાથે મારો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે. આ ટીમ માટે રમવું એક ખુબ જ સારો અનુભવ રહ્યો હતો. બહુ સારી યાદો અને બહુ સારા દોસ્ત મળ્યા જેઓને આવનારા વર્ષો સુધી યાદ રાખીશ.

હરભજન ૨૦૧૮માં ૨ કરોડ રૂપિયામાં મહેન્દ્રસિંહ ધોનીની સુકાનીવાળી ચેન્નાઈ સુપરકિંગ્સનો ભાગ રહ્યો હતો. તેણે ૨૦૧૯માં ટીમને ફાઈનલમાં પહોંચાડવા માટે મહત્વપુર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે એ વર્ષે ૧૧ મેચોમાં ૧૬ વિકેટ લીધી હતી. હરભજને ૨૦૨૦માં યુએઈમાં થયેલ આઈપીએલમાં પણ અંગત કારણોથી ન રમવાનો નિર્ણયો કર્યો હતો.

ચેન્નાઈ આઈપીએલની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી છે. ટીમે ૩ વખત એવોર્ડ જીત્યો છે. જો કે ગત સિઝન તેના માટે સારી રહી ન હતી અને તે સાતમા સ્થાને રહી હતી. આ પહેલો મોકો હતો જ્યારે આઈપીએલ ઈતિહાસમાં ટીમ પ્લેઓફમાં સ્ટાફ બનાવી શકી ન હતી. ગત સિઝનના પ્રદર્શન બાદ ટીમ મેનેજમેન્ટ આ વખતે નવા ચહેરા સામેલ કરવા વિચાર કરી રહી છે. આ વખતે ફ્રેબુઆરીમાં આઈપીએલનું ઓક્શન છે.

(7:35 pm IST)