Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

શ્રેણી સરભર કરવાથી ઈંગ્લેન્ડ ચાર વિકેટ દૂર

ઈંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ બીજી ટેસ્ટ : ઈંગ્લેન્ડે બીજી ઈનિંગ્સમાં ઝડપી રમત રમીને ત્રણ વિકેટે ૧૨૯ રને ઈનિંગ્સ ડિકલેર કરી : વિન્ડિઝના છ વિકેટે ૧૪૨

માન્ચેસ્ટર, તા. ૨૦ : ઓપનર સ્ટ્રોક્સના ૫૭ બોલમાં ત્રણ સિક્સર અને ચાર બાઉન્ડ્રી સાથે અણનમ ૭૮ રન તથા બોલરોની ચુસ્ત બોલિંગની મદદથી યજમાન ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વિજયથી માત્ર ચાર વિકેટ દુર છે. વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ઈનિંગ્સ ૨૮૭ રનમાં સમેટાઈ ગયા બાદ ઈંગ્લેન્ડે બીજી ઈનિંગ્સમાં આક્રમક શરૂઆત કરી હતી. જોકે તે દરમિયાન તેણે રમતના ચોથા દિવસે બે વિકેટે ૩૭ રન બનાવ્યા હતા પણ પાંચમાં અને છેલ્લા દિવસે સ્ટ્રોક્સે આક્રમક વલણ અપનાવતા ટીમ માટે મજબૂત જુમલો ઉભો કર્યો હતો. સ્ટ્રોક્સ ૭૮ રન બનાવીને અણનમ રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગ્સમાં શરૂઆત ખૂબ નબળી રહી હતી અને તેણે માત્ર ૩૭ રનમાં તેના ટોચના ચાર બેટ્સમેનો ગુમાવી દીધા હતા.

           બ્રોડે ઈંગ્લેન્ડ માટે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે વોકિસે બે વિકેટ લીધી હતી અને સ્ટ્રોક્સે એક વિકેટ ખેરવી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી બ્રુક્સે  અણનમ ૫૩ અને બ્લેકવુડે ૫૫ રન બનાવ્યા હતા. પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે ચાર વિકેટે વિજય મેળવ્યા બાદ ત્રણ ટેસ્ટની શ્રેણીમાં તેણે સરસાઈ મેળવી હતી. જોકે મેચમાં રમતનો ત્રીજો દિવસ ધોવાઈ જવા છતાં યજમાન ટીમે તેના પર પહેલા દિવસથી મજબૂત પક્કડ જમાવી દીધી હતી અને હવે પ્રવાસી ટીમ ભીંસમાં મુકાઈ ગઈ છે તથા તે પરાજયના દ્વારે ઉભી છે. પરાજય ટાળવા તેણે હજુ ૩૯ ઓવરમાં ૧૬૯ રન કરવાના છે અને તેના હાથમાં માત્ર ચાર વિકેટ છે.

(9:49 pm IST)