Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

સૂર્યકુમાર યાદવે ટી20 કરિયરની આ બીજી સદી ફટકારી: ભારતે ન્યૂઝીલેન્ડને 192 રનનો ટાર્ગેટ આપ્યો : ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા: વર્લ્ડ કપમાં પણ કરી બતાવ્યો હતો કમાલ 

ન્યુઝીલેન્ડ સામેની T20 સીરિઝની બીજી મેચમાં સૂર્યકુમાર યાદવે માત્ર 51 બોલમાં 111 રન બનાવીને શાનદાર ઇનિંગ રમી.

મુંબઇઃ  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની T20 સીરિઝની બીજી મેચ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ મેદાન પર રમાઈ રહી છે અને આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે. સીરીઝની પહેલી મેચની વાત કરીએ તો આ મેચ વરસાદના કારણે રમાઈ શકી ન હતી પણ બીજી મેચમાં ટી-20 વર્લ્ડ કપ 2022 બાદ બંને ટીમો ફરી એક વખત એક્શનમાં જોવા મળી રહી છે. એવામાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવે કમાલ કરી બતાવ્યો છે. 

T20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવે જે શાનદાર ફોર્મ બતાવ્યું ન્યુઝીલેન્ડ સામેની T20 સીરિઝની બીજી મેચમાં પણ જોવા મળ્યું છે. સૂર્યા એ માત્ર 51 બોલમાં 111 રન બનાવીને શાનદાર ઇનિંગ રમી હતી અને આ ઇનિંગમાં તેને 11 ચોગ્ગા અને 7 છગ્ગા માર્યા હતા. સૂર્યકુમાર યાદવે માત્ર 49 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સૂર્યકુમાર યાદવની ઇનિંગે કેવી રીતે વેગ પકડ્યો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે માત્ર 17 બોલમાં પોતાની બીજી ફિફ્ટી પૂરી કરી હતી. જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવે ટી20 કરિયરની આ બીજી સદી ફટકારી છે. 

ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 191 રન બનાવ્યા છે અને ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવની ઝડપી સદીના દમ પર આ સ્કોર હાંસેલ કર્યો છે. સૂર્યાએ પોતાની ઇનિંગમાં કુલ 111 રન બનાવ્યા હતા. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી આ બીજી T20 મેચ શાનદાર રહી છે. જ્યારે ન્યૂઝીલેન્ડ માટે ટિમ સાઉથીએ છેલ્લી ઓવરમાં હેટ્રિક પણ લીધી હતી. 

જો ટીમ ઈન્ડિયાની ઈનિંગની વાત કરીએ તો ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 111 રનની ઇનિંગ રમી હતી, તેના સિવાય ઇશાન કિશને 36, હાર્દિક પંડ્યા અને શ્રેયસ અય્યરે 13-13 રન બનાવ્યા હતા. ભારતનો સ્કોર 200ને પાર કરી શક્યો હોત, પરંતુ ન્યૂઝીલેન્ડના ટિમ સાઉથીએ છેલ્લી ઓવરમાં હેટ્રિક લઈને ભારતને રોકી દીધું હતું.

નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાનવ વર્લ્ડ કપ 2022માં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને તે સેમિફાઇનલમાંથી જ બહાર થઈ ગયું હતું. એક બાજુ વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર થવા લાગ્યા છે એવામાં ટી 20 વર્લ્ડ કપની મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી શાનદાર બેટિંગ કરનાર સુર્ય કુમાર યાદવ તેના કરિયરના બેસ્ટ ફોર્મમાં ચાલી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ પહેલાની વર્લ્ડ કપની મેચમાં પણ સૂર્યાએ ઘણા રન બનાવ્યા હતા જેમાં તેમણે નેધરલેન્ડ સામે 51 રન, સાઉથ આફ્રિકા સામે 68 રન અને ઝિમ્બાબ્વે સામે 61 રન બનાવ્યા હતા. 

(4:13 pm IST)