Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ટેસ્ટ બાદ વનડે સિરીઝ પણ ગુમાવી :બીજી વનડેમાં ભારતનો પરાજય : દક્ષિણ આફ્રિકાનો 7 વિકેટે વિજય

288 રનના ટાર્ગેટ સામે દક્ષિણ આફ્રિકાએ 11 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 7 વિકેટથી મેચ જીતી લીધી

મુંબઈ : દક્ષિણ આફ્રિકાના પાર્લમાં રમાયેલી બીજી વનડે મેચમાં SAએ 7 વિકેટથી ઈન્ડિયન ટીમને હરાવી દીધી છે. ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા 288 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. જેના જવાબમાં આફ્રિકાએ 11 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 7 વિકેટથી મેચ જીતી લીધી છે. 

    અત્રે ઉલ્લેખનીય છે કે પાવરપ્લે અને મિડલ ઓવરમાં ઈન્ડિયન બોલર્સનું શરમજનક પ્રદર્શન રહેતા ટીમ જરૂર હતી ત્યારે વિકેટ લઈ શકી નહોતી. જેના પરિણામે આફ્રિકન બેટરે સરળતાથી આ મેચ જીતી સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે.

ટેસ્ટ સીરીઝ બાદ ભારતીય ટીમ વનડે સીરીઝ પણ ગુમાવી દીધી છે. બીજી વનડે મેચમાં આફ્રિકાએ ભારતીય ટીમને હરાવી દીધી છે. ભારત પ્રથમ મેચ 31 રને હારી ગયું હતું. આ મેચમાં ભારતે આફ્રિકાને જીતવા માટે 288 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય બોલરો કોઈ ચમત્કાર બતાવી શક્યા ન હતા અને ભારત આ મેચ 7 વિકેટે હારી ગયું હતું.

ભારતીય બોલરો શરૂઆતથી જ પોતાની લયમાં દેખાતા ન હતા અને આફ્રિકન બેટ્સમેનોએ મેદાનની ચારે તરફ સ્ટ્રોક ફટકાર્યા હતા.. ભુવનેશ્વર કુમાર ઘણો મોંઘો સાબિત થયો, તેણે સૌથી વધુ રન આપ્યા અને એકપણ વિકેટ મેળવી ન હતી. જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ અને શાર્દુલ ઠાકુરને 1-1 વિકેટ મળી હતી. વેંકટેશ અય્યરે તેની 5 ઓવરમાં 28 રન આપ્યા હતા અને તે કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. બુમરાહ સિવાય તમામ ભારતીય બોલરોએ જોરદાર રીતે રન આપ્યા હતા. તેથી ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

આ મેચમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ શાનદાર ઇનિંગ રમી હતી. સાઉથ આફ્રિકાના ઓપનર જનમન મલાને સૌથી વધુ 91 રનની ઇનિંગ રમી હતી. તેના કારણે આફ્રિકા આટલા મોટા લક્ષ્યનો પીછો કરી શક્યું હતું. તે તેની સદી ચૂકી ગયો. તેને જસપ્રિત બુમરાહે આઉટ કર્યો હતો. વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે 78 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન ટેમ્બા બાવુમા 35 રન બનાવીને યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો. એડમ માર્કરામે 34 અને રાસી વેન ડુસેને 32 રન બનાવ્યા હતા.

ભારતે દક્ષિણ આફ્રિકા સામે 287 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 71 બોલમાં 85 રનની ઇનિંગ રમી જેમાં 10 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન કેએલ રાહુલે 55 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી ફરી એકવાર આશાઓ બોજ સહન કરી શક્યો નહીં અને કોઇપણ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા. શિખર ધવન સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યા ન હતા અને માત્ર 29 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 11 રન, વેંકટેશ અય્યરે 22 રન બનાવ્યા છે. અંતમાં શાર્દુલ ઠાકુરે 38 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેના કારણે ભારત આટલા મોટા લક્ષ્ય સુધી પહોંચી શક્યું હતું. રવિચંદ્રન અશ્વિન 25 રન બનાવી અણનમ રહ્યો હતો.

દક્ષિણ આફ્રિકાના બોલરોએ ભારતને શરૂઆતમાં જ આંચકો આપ્યો હતો. આફ્રિકા તરફથી તબરેઝ શમ્સીએ સૌથી વધુ બે વિકેટ લીધી છે. એસ મંગલા, એડમ માર્કરામ, ફેહલુકવાયો અને કેશવ મહારાજે 1-1 વિકેટ લીધી હતી. કેશવ મહારાજે વિરાટ કોહલીની કિંમતી વિકેટ પોતાના ખાતામાં નાખી હતી. 

(10:37 pm IST)