Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

૨૦૧૯માં રાયડુ હોત તો ટીમ વિજેતા બની હોત : પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના

નિવત્તી જાહેર કર્યા બાદ સુરેશ રૈનાનો દાવો : અંબાતી રાયડૂને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન આપવી એ ટીમની મોટી ભૂલ હોવાનો સ્ટાર ક્રિકેટર રૈનાનો દાવો

નવી દિલ્હી, તા. ૨૨ : પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યું કે, જો અંબાતી રાયૂડૂને ગત વર્ષે રમાયેલા વન-ડે વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હોત તો ભારત ચેમ્પિયન બની શકે તેમ હતું. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાને ૨૦૧૯ના વન-ડે વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૯માં ICC વર્લ્ડ કપ શરૂ થયા પહેલાં ભારતીય ટીમને ટાઈટલ જીતવાની સૌથી પ્રબળ દાવેદાર ટીમોમાં ગણવામાં આવી રહી હતી પણ ટીમ સેમી ફાઈનલમાં હારી ગઈ. સેમી ફાઈનલ પહેલાં ટીમ ઈન્ડિયાએ જે રીતનું પ્રદર્શન કર્યું હતું તે જોતા લાગતું હતું કે, આ વખતે ટીમ ચેમ્પિયન બનશે જ, પણ એવું ન થઈ શક્યું. તેને ન્યૂઝીલેન્ડ સામે સેમી ફાઈનલમાં ટૂંકા અંતરથી હારનો સામનો કરવો પડ્યો, જેનાથી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની બહાર થઈ ગઈ.

                     તાજેતરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા લિમિટેડ ઓવર્સના શાનદાર ક્રિકેટર સુરેશ રૈનાએ એક એવા ક્રિકેટરનું નામ જણાવ્યું જેના હોવાથી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી શકે તેમ હતી. રૈનાએ જણાવ્યું કે, 'હું ઈચ્છતો હતો કે, રાયુડૂ ભારત માટે નંબર ૪ પર બેટિંગ કરે. તેણે આશરે દોઢ વર્ષ સુધી સખત મહેનત અને સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, તેને ટીમમાં શામેલ ન કરાયો. તેણે કહ્યું, '૨૦૧૮ના પ્રવાસને હું એન્જૉય કરી શક્યો નહોતો, કારણ કે, સ્થિતિ એવી થઈ ગઈ હતી, જ્યાં રાયુડૂ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થઈ ગયો. તેને એ બિલકુલ નહોતું ગમ્યું કે, તે ફિટનેસ ટેસ્ટ પાસ ન કરી શક્યો. તેના સ્થાને મને ટીમમાં પસંદ કરવામાં આવ્યો. વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાને નંબર-૪ના બેટ્સમેન માટે ખૂબ સમસ્યાનો સામનો કરવો પડ્યો. જોકે, ટૂર્નામેન્ટમાં ઓપનર્સનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું. ત્યારે એમએસકે પ્રસાદની આગેવાનીવાળી સિલેક્શન કમિટીએ રાયુડૂને વર્લ્ડ કપ માટે ટીમમાં ન લીધો અને તેના સ્થાને વિજય શંકરને તક અપાઈ. આ અંગે ખૂબ વિવાદ પણ થયો અને રાયુડૂએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો.

૧૫ ઑગસ્ટના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેનારા રૈનાએ કહ્યું કે, 'રાયુડૂ નંબર-૪ માટે સારો બેટ્સમેન હતો. જો તે વર્લ્ડ કપની ટીમમાં હોત તો કદાચ આપણ ટાઈટલ જીતી ગયા હોત. તે જે રીતે રમે છે, તે નંબર માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ હતો. ચેન્નઈમાં ટ્રેનિંગ કેમ્પમાં તેણે સારી બેટિંગ કરી હતી.'

ગત વર્ષે વર્લ્ડ કપ માટે ઑલરાઉન્ડર વિજય શંકર અને યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને મિડલ ઑર્ડર માટે પસંદ કરવામાં આવ્યા હતા પણ બંનેનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. ઈંગ્લેન્ડ આ વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું હતું, જેણે બાઉન્ડ્રીના આધારે સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.

(9:12 pm IST)