Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

IPLમાં ટોસ પછી થશે ટીમનું એલાન

ટુર્નામેન્‍ટને રસપ્રદ બનાવવા અનેક નિયમો બદલાયા : બીજા પણ કેટલાક નિયમો બદલાયાઃ ૩૧ માર્ચથી ટુર્નામેન્‍ટનો પ્રારંભ

નવી દિલ્‍હી, તા.૨૩: આઇપીએલને રસપ્રદ બનાવવા માટે અનેક નિયમોમાં ફેરફાર કરાયા છે એવામાં ટોસને લઇને મહત્‍વનો ફેંસલો થયો છે. ટુર્નામેન્‍ટમાં હવે પ્‍લેઇંગ ઇલેવનનું એલાન ટોસ પછી થશે.

ઈન્‍ડિયન પ્રીમિયર લીગ (IPL) એટલે કે IPL-૨૦૨૩ની આગામી સિઝન દરમિયાન, જ્‍યારે કેપ્‍ટન ટોસ માટે મેદાન આવશે, ત્‍યારે તેમના હાથમાં બે અલગ-અલગ XI ટીમની શીટ્‍સ હશે. ટોસ બાદ કેપ્‍ટન પોતાની પ્‍લેઈંગ ઈલેવનની જાહેરાત કરશે. આ વર્ષે IPLમાં કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવશે, જેમાં સૌથી મહત્‍વપૂર્ણ ટોસ પછી પ્‍લેઈંગ ઈલેવનની જાહેરાત થશે. આ ફેરફારથી ફ્રેન્‍ચાઇઝીને પોતાની સર્વશ્રેષ્‍ઠ ટીમ પસંદ કરવાની તક મળશે.

અત્‍યાર સુધી કેપ્‍ટનોએ ટોસ પહેલા પ્‍લેઈંગ ઈલેવનની યાદી આપવી પડતી હતી. પરંતુ હવે ટોસ બાદ કેપ્‍ટન પરિસ્‍થિતિ અનુસાર પોતાની XI પસંદ કરી શકશે. આ નિયમ કેપ્‍ટનને પ્રભાવશાળી ખેલાડીઓની પસંદગીમાં પણ મદદ કરશે.

ટુર્નામેન્‍ટ કમિટીએ પહેલાથી જ ‘ઈમ્‍પેક્‍ટ સબસ્‍ટિટયુશન્‍સ' (ઈમ્‍પેક્‍ટ પ્‍લેયરની અવેજીની) જાહેરાત કરી છે જેમાં પાંચ નિયુક્‍ત અવેજી ખેલાડીઓમાંથી મેચ દરમિયાન નવા ખેલાડીને બદલી શકાય છે. જે ટીમો નિર્ધારિત સમયમાં તેમની ઓવર પૂરી કરવામાં નિષ્‍ફળ જાય છે તેમને દરેક ઓવર માટે ૩૦ યાર્ડ સર્કલની બહાર માત્ર ચાર ફિલ્‍ડર રાખવાનો ઓવર રેટનો દંડ ફટકારવામાં આવશે. જો વિકેટ-કીપર કંઈક ખોટું કરે છે, તો બોલને મળત જાહેર કરવામાં આવશે અને બેટિંગ ટીમને પાંચ વધારાના રન મળશે. જો ફિલ્‍ડર કોઈ ખોટું કામ કરશે તો પણ બોલને ડેડ જાહેર કરવામાં આવશે અને પાંચ રનનો દંડ લાદવામાં આવશે.

IPL પહેલા દક્ષિણ આફ્રિકાની SA20 લીગ તાજેતરમાં યોજાઈ હતી, જેમાં આ નિયમ લાગુ કરવામાં આવ્‍યો હતો. આમાં, ટીમોને ટોસ પછી તેમની પ્‍લેઇંગ ઇલેવનની જાહેરાત કરવાની સુવિધા આપવામાં આવી હતી. ટીમોએ ટોસ પછી તેમની પ્‍લેઈંગ ઈલેવનની જાહેરાત કરતા પહેલા ટીમ શીટ પર ૧૩ નામો મૂકયા. એટલે કે ૧૧ ખેલાડીઓ રમી રહ્યા છે અને બે ખેલાડીઓને ઈમ્‍પેક્‍ટ પ્‍લેયર તરીકે રાખવામાં આવ્‍યા હતા. સાંજની મેચોમાં, ઝાકળની અસર બીજા દાવમાં વધુ થાય છે, જે બોલિંગ ટીમ માટે મુશ્‍કેલ બનાવે છે. આ નવો નિયમ બાદમાં બોલિંગ ટીમને રાહત આપે તેવી શકયતા છે, જે મેચમાં સંતુલન અને ઉત્તેજના વધારશે

(9:55 am IST)