Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ટીમ ઈન્‍ડિયા સિરીઝ હાર્યુ, નં.૧નો તાજ પણ ગુમાવ્‍યો

નિર્ણાયક મુકાબલામાં જ આપણા બેટરો ફસકી ગયા ૪ વર્ષ સુધી ઘરઆંગણે સિરીઝ નહિ હારવાનો રેકોર્ડ પણ તૂટી ગયો

નવીદિલ્‍હીઃ ચેન્‍નઈના ચેપોક સ્‍ટેડિયમમાં રમાયેલી ત્રીજી વનડેમાં ઓસ્‍ટ્રેલિયા સામે ભારતનો ૨૧ રને પરાજય થયો છે.ચેન્‍નઈના ચેપોક સ્‍ટેડિયમમાં રમાયેલી અંતિમ અને નિર્ણાયક વનડે ભારતે ગુમાવી દીધી છે. ઓસ્‍ટ્રેલિયાએ ત્રીજી વનડેમાં ભારતને ૨૧ રનથી પરાજય આપીને ૨-૧થી વનડે સિરિઝ કબજે કરી લીધી છે. પહેલા બેટિંગ કરીને ઓસ્‍ટ્રેલિયાએ નિર્ધારીત ઓવરમાં ૨૬૯ રન કર્યાં હતા. ૨૭૦ રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્‍ડીયા ૪૯.૧ ઓવરમાં ૨૪૮ રન જ બનાવી શકી હતી આ રીતે તેનો ૨૧ રને પરાજય થયો હતો.ત્રીજી વનડેમાં પરાજયની સાથે ભારતને બેવડો ફટકો પડ્‍યો છે. એક તો સિરિઝ પણ ગુમાવી અને બીજું વનડે રેન્‍કિંગમાં નંબર વનનો તાજ પણ છીનવાયો છે. આ સિરિઝ જીતની સાથે ઓસ્‍ટ્રેલિયા ભારતને પછાડીને વનડે રેન્‍કિંગમાં નંબર ૧ પર પહોંચ્‍યું છે.

 નિર્ણાયક વનડેમાં ટોસ જીતીને પહેલા બેટિંગ માટે ઉતરેલી ઓસ્‍ટ્રેલિયાની ટીમે નિર્ધારીત ૫૦ ઓવરમાં ૨૬૯ રન બનાવ્‍યાં હતા. મિચેલ માર્શે સૌથી વધારે ૪૭ રન ત્‍યાર બાદ એલેક્‍સ કેરીએ ૩૮ રન બનાવ્‍યાં હતા. કેપ્‍ટન સ્‍ટીવ સ્‍મિથ ઝીરો પર આઉટ થયો હતો.ત્રીજી વનડેમાં ભારતે જોરદાર બોલિંગ કરી હતી જેને કારણે ટીમ ઓસ્‍ટ્રેલિયા મોટો સ્‍કોર કરી શકી નહોતી. ભારતવતી હાર્દિક પંડ્‍યાંએ ૮ ઓવરમાં ૪૪ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. તેના પછી કુલદીપ યાદવે પણ તરખાટ મચાવ્‍યો હતો. કુલદીપે ૧૦ ઓવરમાં ૫૬ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી.  ઉપરાંત મોહમ્‍મદ સિરાઝ અને અક્ષર પટેલે પણ ૨-૨ વિકેટ ઝડપી હતી.

ટીમ ઈન્‍ડિયાએ રન ચેઝ કરવાની શરૂઆત શાનદાર રીતે કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે ૬૫ રનની પાર્ટનરશિપ વડે શરુઆત કરી હતી. રોહિત શર્માએ ૧૭ બોલનો સામનો કરીને ૩૦ રન નોંધાવ્‍યા હતા. રોહિતે ૨ છગ્‍ગા અને ૨ ચોગ્‍ગા ફટકાર્યા હતા. રોહિત એબોટનો શિકાર થયો હતો. મોટા શોટના ચક્કરમાં તે કેચ ઝડપાયો હતો. શુભમન ગિલે ૪૯ બોલનો સામનો કરીને ૩૭ રન નોંધાવ્‍યા હતા. ગીલે ૧ છગ્‍ગો અને ૪ ચોગ્‍ગા ફટકાર્યા હતા. તે એલબીડબલ્‍યુ આઉટ એડમ ઝંપાના બોલ પર થયો હતો. કેએલ રાહુલે ૫૦ બોલમાં ૩૨ રન નોંધાવ્‍યા હતા. રાહુલ વિશાળ શોટ રમવાના પ્રયાસમાં બાઉન્‍ડરી પર એબોટના હાથે કેચ ઝડપાયો હતો.  અક્ષર પટેલ પાંચમાં ક્રમે રમવા માટે આવ્‍યો હતો. ઉપર રમવા આવેલો અક્ષર પટેલ રન આઉટ થઈને પરત ફર્યો હતો. અક્ષરે ૨ રન નોંધાવ્‍યા હતા.વિરાટ કોહલીએ અડધી સદી નોંધાવી હતી. કોહલીની આ રમત ટીમ માટે ઉપયોગી હતી, જોકે તે એળે ગઈ હતી. તેણે ૭૨ બોલનો સામનો કરીને ૫૪ રન નોંધાવ્‍યા હતા. કોહલીએ ૨ ચોગ્‍ગા અને ૧ છગ્‍ગો ફટકાર્યો હતો. કોહલી બાદ હાર્દિક પંડ્‍યાએ રમત સંભાળી હતી. તેણે ૪૦ બોલમાં ૪૦ રન નોંધાવ્‍યા હતા. તેણે ૩ ચોગ્‍ગા અને ૧ છગ્‍ગો ફટકાર્યો હતો. જોકે તેણે ઝંપાના બોલ પર પર ખોટો શોટ રમી લેતા વિકેટ ગુમાવી દીધી હતી. તે સીધો જ સ્‍ટીવ સ્‍મિથના હાથમાં કેચ ઝડપાયો હતો. રવિન્‍દ્ર જાડેજા પણ ૧૮ રન નોંધાવીને પરત ફર્યો હતો

(4:22 pm IST)