Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

ટીમ ઇન્‍ડિયાનો રોમાંચક વિજયઃ ધવનની કેપ્‍ટન ઇનિંગ

પ્રથમ વન-ડે ભારત ૩૦૮/૭, વિન્‍ડીઝ ૩૦૫/૬ : ગિલ, ઐય્‍યરની ફિફટી : સિરાજ, ચહલ અને શાદુલને બે-બે વિકેટઃ કાલે બીજો વન-ડે

નવીદિલ્‍હીઃ ટીમ ઇન્‍ડિયાએ વેસ્‍ટ ઇન્‍ડિઝ સામેની ત્રણ મેચોની સીરિઝની પ્રથમ મેચમાં ૩ રને રોમાંચક જીત મેળવી હતી. ૩૦૯ રનના લક્ષ્યાંકને પીછો કરવા ઉતરેલી વેસ્‍ટ ઇન્‍ડિઝની ટીમ ૫૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૩૦૫ રન જ બનાવી શકી હતી. ભારતની જીતનો હીરો કેપ્‍ટન શિખર ધવન રહ્યો હતો. જેણે ૯૭ રનની ઇનિંગ રમી હતી. ઐય્‍યર અને ગિલે પણ ફીકટી ફટકારી હતી. આ સિવાય સિરાજે બે વિકેટ લઇને ભારતની જીતમાં મહત્‍વની ભુમિકા ભજવી હતી
૩૦૯ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્‍ટ ઇન્‍ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાંચમી ઓવરમાં જ તેના સ્‍ટાર ઓપનર હોપની વિકેટ ગુમાવી દીધી હતી. હોપે માત્ર ૭ રન બનાવ્‍યા હતા આ પછી બ્રુકસ અને મિયર્સ વચ્‍ચે બીજી વિકેટ માટે ૧૧૭ રન ભાગીદારી થઇ હતી. જોકે શાર્દુલ ઠાકુરે ભારતને મેચમાં વાપસી કરાવી હતી. બ્રુકસ શાર્દુલના બોલ પર ૪૬ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી મિયર્સ પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શકયો ન હોતો અને તે પણ ૭૫ રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. વેસ્‍ટ ઇન્‍ડિઝના કેપ્‍ટન નિકોલસ પૂરને બેન્‍ડન કિંગ સાથે મળીને ઇનિંગને સાંભળવાનો પ્રયાસ કર્યો હતો જોકે સિરાજે ૨૫ રન બનાવીને પૂરનને આઉટ કર્યો હતો.
છેલ્‍લી ૬ ઓવરમાં વેસ્‍ટ ઇન્‍ડિઝને  જીતવા માટે ૬૦ રનની જરૂર હતી. પરંતુ ચહલ સામે કિંગ વધુ સમય ટકી શકયો ન હતો અને ૫૪ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હુસૈન શેફર્ડ સાથે મળીને વિન્‍ડીઝને જીતની ખૂબ નજીક લઇ ગયા હતા. ભારત તરફથી સિરાજ, ચહલ અને શાર્દુલે બે-બે વિકેટ ઝડપી હતી. હવે આવતીકાલે રવિવારે સાંજે ૭ વાગ્‍યાથી બીજો વન-ડે રમાશે.

 

(10:44 am IST)